ગાંધીધામ, તા. 27 : કચ્છના મેન્યુફેક્ચારિંગ ઉદ્યોગોને
આધુનિક ટેક્નોલોજી સાથે જોડવા અને સ્માર્ટ મેન્યુફેક્ચારિંગને પ્રોત્સાહન આપવા માટે
ફોકીઆ અને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા આર.એમ.એમ.પી.
પ્રોજેક્ટ અંતર્ગત `ઉદ્યોગોમાં
ઉત્પાદન ક્ષેત્રમાં પરિવર્તનને વેગ આપવાના
વિષય ઉપર ભુજ અને ગાંધીધામ ખાતે રોડ-શોનું
આયોજન કરાયું હતું. નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ડેપ્યુટી ડાયરેક્ટર ચંદન ચૌધરીએ ટેકનિકલ સત્રમાં ઇન્ડસ્ટ્રી 4.0ના વિકાસ, સ્માર્ટ મેન્યુફેક્ચારિંગ ટેક્નોલોજી અને સરકારની
વિવિધ પહેલ અંગે વાત કરી હતી. તેમણે ભારત સરકારની સીમ યોજના અંતર્ગત ઉપલબ્ધ સીમ કિટની વિશેષતાઓ, તેના
લાભો તેમજ અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાઉન્સિલના આર.એ. એમ.પી. પ્રોજેક્ટ મેનેજર સાગર પંચાલે સીમ
કિટનું પ્રાયોગિક નિદર્શન રજૂ કર્યું હતું.
રિયલ-ટાઇમ મશીન મોનિટારિંગ, ઊર્જા વપરાશનું વિશ્લેષણ,
મશીન ડાઉનટાઇમનું નિરીક્ષણ તેમજ ડેટા આધારિત નિર્ણયોથી ઉત્પાદન ક્ષમતા
વધારવાના ઉપાયો અંગે સમજ આપી હતી. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ઉદ્યોગકારોના સીમ યોજના
અંગેના સવાલના જવાબ આપતા નિષ્ણાતોએ જણાવ્યું
કે, દરેક પાત્ર સંસ્થાને સરકારની યોજના હેઠળ એક સીમ કિટ આપવામાં આવશે અને આ ટેક્નોલોજી વિવિધ પ્રકારના મેન્યુફેક્ચારિંગ
ઉદ્યોગોમાં સરળતાથી અમલમાં મૂકી શકાય છે. ફોકીઆ તરફથી ધરતી શેઠિયા અને બજરંગ અગ્રવાલે
મહેમાનોને આવકાર્યા હતા. તેમણે ફોકીઆ દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે હાથ ધરવામાં આવતી
પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ઉત્પાદન ક્ષેત્રમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સમયની જરૂરિયાત
હોવાનું જણાવ્યું હતું. ક્રિશ કન્સલ્ટન્સીના
સ્થાપક વૈશાલી પારેખે સ્વાગત પ્રવચન કરી ઔદ્યોગિક ક્રાંતિના વિકાસક્રમની માહિતી
આપી હતી. ઈન્ટરનેટ ઓફ થીંગ્સ, એ.આલ.ઈ., ક્લાઉડ કોમ્પ્યુટિંગ તેમજ ડેટા એનાલિસીસ જેવી અદ્યતન ટેક્નોલોજી
ભારતનાં ઉત્પાદન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં કેવી રીતે મહત્ત્વની
ભૂમિકા ભજવે છે તે અંગે માહિતી આપી હતી. આભારવિધિ વૈશાલી શાહે કરી જણાવ્યું કે,
ઇન્ડસ્ટ્રી 4.0 હવે વૈકલ્પિક નહીં, પરંતુ ટકાઉ વિકાસ, કાર્યક્ષમતામાં વધારો અને સ્પર્ધાત્મકતા
જાળવવા માટે અનિવાર્ય બની ગયું છે. બંને સ્થળે યોજાયેલાં નેટવર્કિંગ સત્રમાં ઉદ્યોગકારોએ
પરસ્પર વિચારોની આપલે કરી હતી. વિવિધ ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં જોડાયા
હતા. આયોજન ફોકીઆના સિનિયર એક્ઝિ. શિવાની ભગતે
સંભાળ્યું હતું.