• શનિવાર, 13 જૂન, 2026

ગૌવંશનું સંવર્ધન એ ખરેખર અકલ્પનીય

ભુજ, તા. 11 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌસેવા ગતિવિધિના માર્ગદર્શનમાં ગોરસિયા સેવા ફાઉન્ડેશન- બળદિયા અને ગિરધરભાઈ પિંડારિયા-માધાપર દ્વારા કેરા ગામે પાંચ હજાર ગૌવંશના નિભાવ સાથે 25 એકરમાં ચાલતાં નિ:શુલ્ક નીરણ કેન્દ્ર ખાતે આયોજિત સાત દિવસીય વેદલક્ષણા ગૌયાગ સંપન્ન થયો. દર્શનાર્થીઓ દ્વારા સુરભ્યૈ નમ:ના મંત્રના જાપનું સંપૂર્ણ ફળ ગૌવંશની સુખાકારી અને સંવર્ધન હેતુ અર્પણ કરવામાં આવ્યું હતું. વિશેષ ગૌસભા સત્રમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગૌપ્રેમીઓની ઉપસ્થિતિમાં ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ ડો. કે.ઈ.એન. રાઘવને વેદમાં ઉલ્લેખીત સંદર્ભો ટાંકીને અભ્યાસ સાથે દેશી ગાયનો ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક પક્ષ મુક્યો હતો, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયા અને ડો. હિતેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી દેવચરણદાસજીએ જણાવ્યું હતું કે, વિદેશમાં વસવાટ છતાં ગિરધરભાઈ પિંડોરિયા ઉપરાંત તેમનો સમગ્ર પરિવાર ગોરસિયા ફાઉન્ડેશન સાથે મળીને ખર્ચ સાથે દેશી ગૌવંશના સંવર્ધન માટે જે પાયાનું કાર્ય કરી રહ્યો છે તે અકલ્પનીય છે. એક વર્ષ પહેલાં ગામ લેર ખાતે નંદીશાળાના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત ગૌસેવા સંગમ અને આ વેદલક્ષણા ગૌયાગના આયોજન અંગે ગિરધરભાઈએ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં દેશી ગાયના સંવર્ધનને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ સમરસતાના વિચાર સાથે જે ગામ અથવા સંસ્થા આ પ્રકારના ગૌયાગનું આયોજન કરશે તેમને શક્ય તેટલો આર્થિક સહયોગ કરવામાં આવશે. કચ્છના માલધારીઓની આવક વધારવા ગૌમૂત્ર ડેરી બનાવવા અને દૂધ, માવો અને ઘીના વેચાણની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તથા સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોના અનાજ, કઠોળ સાથે કેરી, ખારેક, અંજીર જેવાં ફળોનાં યોગ્ય પ્રોસેસ અને પેકાજિંગ સાથે મૂલ્યવર્ધન કરીને આ દરેક ઉત્પાદનના સારા ભાવ મળી રહે તે માટે ગૌવંશ માટે સમર્પિત નિષ્ઠાવાન લોકો સાથે મળીને પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું. ગૌપ્રેમી મનોજભાઈ સોલંકી દ્વારા એક ગૌયાગ કરવાની, ભુજપુર ગામ દ્વારા ગાયના વિવિધ વિષયે પાંચ દિવસ સુધી રાઘવનજીના પ્રવચન અને આગામી જાન્યુઆરીમાં એક યજમાન દ્વારા અંજાર ખાતે ગૌકથા સપ્તાહનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રાંત સંયોજક મેઘજીભાઈ હીરાણીએ નોંધ લીધી કે, છેલ્લાં ઘણાં વર્ષોથી ગૌસેવા ગતિવિધિ અને કચ્છના નિષ્ઠાવાન ગૌસેવકો દ્વારા થતા વ્યાપક પ્રયાસોના ભાગરૂપે યુવાનોમાં પણ ગાયને બીચારી કહેવાને બદલે તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ સમજાયું છે. શાસ્ત્રોના કોઈ પણ નિયમોમાં બિલકુલ બાંધછોડ કર્યા વગર 40 જેટલા ભૂદેવો સાથે યજ્ઞના મુખ્ય આચાર્ય પદે ગૌભક્ત જયદીપ શાસ્ત્રીજી-ભુજ દ્વારા વિધિ કરવામાં આવી હતી એવું યજમાન પરિવારના ગોરસિયાબંધુ જાદવજીભાઈ અને પરબતભાઈની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd