કોટડા (ચકાર), તા. 12 : જિલ્લામાં
વરસાદના અભાવે વન-વગડાના તળાવો અને નાળાઓ સમય પહેલાં જ સૂકાઈ જતાં પશુધન, વન્યપ્રાણીઓ અને પક્ષીઓ પાણી માટે વલખાં મારી
રહ્યા છે. આવા કપરા સમયમાં ભુજ તાલુકાના કોટડા આથમણા ગામના જાગૃત ખેડૂતપુત્રોએ અને
હરિઓમ મિશન દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં ખાલીખમ તળાવડીને પાણીથી છલોછલ ભરી
અબોલ જીવોને જીવદયારૂપે અમૂલ્ય ભેટ આપી છે.
ભુજ તાલુકાના કૈલાસનગર ગામના સીમ વિસ્તારમાં આવેલું નંદી સરોવર લાંબા સમયથી
સૂકું પડી ગયું હતું. જેના કારણે આસપાસના ગામોના પશુધન, વન્યપ્રાણીઓ
તેમજ માલધારીઓના પશુઓને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સ્થિતિને
ધ્યાનમાં રાખીને કોટડા આથમણાના સેવાભાવી ખેડૂતપુત્રોએ સરોવરને ફરીથી જીવંત બનાવવાનો
સંકલ્પ કર્યો. કોટડા આથમણા વોટર સપ્લાય દ્વારા
પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડી નંદી સરોવરને સંપૂર્ણ ભરવામાં આવ્યું. પરિણામે આજે સરોવરમાં
પાણી લહેરાઈ રહ્યું છે અને ત્યાં પશુ-પક્ષીઓના કલરવથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ જીવંત
બની ગયું છે. આસપાસના ગામોની ગાયો, ભેંસો તેમજ વિવિધ વન્યપ્રાણીઓ
અને પક્ષીઓ અહીં પાણી પી પોતાની તરસ છીપાવી રહ્યા છે. આ સેવાયજ્ઞમાં મિશન હરિઓમના હરિભાઈ
ભાનુશાલી તથા કોટડા (આ)ના સરપંચ મનસુખભાઈ માકાણી, પ્રમુખ રમણીકલાલ
માકાણી, નરશીભાઈ, ધીરજભાઈ, ચંદુભાઈ, રાહુલ કાંતિભાઈ માકાણી, પાણી સમિતિના તમામ સભ્યો તથા અન્ય સેવાભાવી ભાઈઓએ સહયોગ આપ્યો હતો.