કોટડા (ચ.), તા. 12 : બન્ની વિસ્તારમાં
ઘાસચારો અને પાણીની ગંભીર અછત સર્જાતા મોટી સંખ્યામાં માલધારી પરિવારો પોતાનાં પશુધન
સાથે હિજરત કરીને ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું
છે. બન્નીના ચરિયાણ વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સૂકાઈ જતાં અને ઘાસચારો ખૂટી પડતાં
માલધારીઓ માટે પોતાના પશુધનનું પાલનપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. પરિણામે અનેક પરિવારો
પોતાના ઘેટાં, ગાયો, ભેંસો, બકરાં અને અન્ય પશુઓ સાથે બન્ની છોડીને શેખપીર
ચોકડી, કુકમા, લાખોંદ, પદ્ધર, મમુઆરા સહિતના વિસ્તારોમાં અસ્થાયી પડાવ નાખીને
વસવાટ કરી રહ્યા છે. માલધારીઓના જણાવ્યા મુજબ બન્ની વિસ્તારમાં આ વર્ષે પાણીની સ્થિતિ
વધુ કપરા સ્વરૂપે સામે આવી છે. અનેક વિસ્તારોમાં પાણીના કૂંડાં અને કુદરતી જળસ્ત્રોતો
સૂકાઈ જતાં પશુઓ માટે પીવાનાં પાણીની ભારે સમસ્યા ઊભી થઈ છે. બીજી તરફ ચરિયાણમાં ઘાસચારો
નહીં મળતાં પશુઓને પૂરતો ખોરાક પણ મળી શકતો નથી, જેના કારણે માલધારીઓ
પોતાનાં પશુધનને બચાવવા માટે ગામડાં અને ખેતી વિસ્તારો તરફ સ્થળાંતર કરવા મજબૂર બન્યા
છે. ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પહોંચેલા
માલધારીઓ હાલ ખેતરોમાં ઉપલબ્ધ જાર, મકાઈ, ડાભ, શેરડીનાં પાંદડા, ઊભા ઘાસ
તેમજ અન્ય ચારા પર નિર્ભર બન્યા છે. કેટલાક માલધારીઓ ખેડૂતોની મંજૂરીથી ખેતરોના શેઢા
અને વાડીઓમાંથી ચારો એકત્ર કરી રહ્યા છે, તો કેટલાક સ્થળોએ પશુઓ
માટે લીલો ચારો મેળવવા ભારે મહેનત કરી રહ્યા છે.
માલધારી મહિલાઓનો સંઘર્ષ વિશેષ નોંધપાત્ર બની રહ્યો છે. શેખપીર ચોકડી નજીકના
હાઈવે પર મહિલાઓ માથે ઘાસના ભારે ભારા લઈને પોતાના પડાવ તરફ જતી જોવા મળી હતી. વહેલી
સવારથી મહિલાઓ વાડી અને ખેતરોમાં પહોંચી ઘાસ કાપે છે, તેને ભેગું
કરે છે અને પછી માથે કે ગધેડાગાડી મારફતે પોતાનાં પશુઓ સુધી પહોંચાડે છે. કેટલીક મહિલાઓ
ચારથી પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાલીને ઘાસચારો લઈ જતી હોવાનું પણ જોવા મળી રહ્યું
છે. માલધારીઓનું કહેવું છે કે, અછતના આ સમયમાં પશુધન જ તેમનો
મુખ્ય આધાર છે. પશુઓને બચાવવા માટે આખો પરિવાર દિવસભર મહેનત કરી રહ્યો છે. મહિલાઓ પણ
પુરુષોની સાથે ખભેખભા મિલાવીને પશુઓ માટે ચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં જોડાઈ છે.
તેમના મતે, `જો આપણે આપણા
પશુઓની સંભાળ નહીં રાખીએ, તો આ અછતના
સમયમાં તેમની સંભાળ કોણ રાખશે?' તેથી ગમે તેટલી મુશ્કેલી પડે
છતાં પશુધનને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.