• શનિવાર, 13 જૂન, 2026

સરહદી લોકસંવાદમાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત

ગાંધીધામ, તા. 12 : રાજ્ય સરકારના વિશેષ સરહદી સંપર્ક કાર્યક્રમ અંતર્ગત એડીજીપીએ રાપર તાલુકાના છેવાડાના સરહદી ગામોની બે દિવસીય મુલાકાત લીધી હતી, જેમાં સરહદી વિસ્તારના લોકોની પડતર સમસ્યાઓ, માગણીઓ સાંભળી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવાના આયોજન હેઠળ તેમણે જાટાવાડા, શિરાનીવાંઢમાં લોકસંવાદ, રાત્રિસભા યોજી પ્રશ્નો સાંભળ્યા હતા. તો સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના ડીઆઈજીપી કે. એન. ડામોર દ્વારા ખાવડા વિસ્તારના જૂના દેઢિયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. અહીં આવેલા એડીજીપી અજા ચૌધરીની રાત્રિસભામાં ગ્રામજનોએ વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, નર્મદા યોજનાના પ્રશ્નો રજૂ કર્યા હતા. બીજા દિવસે શિરાનીવાંઢ ખાતે સંવાદ યોજાયો હતો, જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘડુલી, બાલાસર, સાંતલપુર પર બેફામ દોડતા ટેન્કરો, ટ્રેઈલરોની ગતિ પર નિયંત્રણ લાવવા, ગતિમર્યાદા નક્કી કરવા, જમ્પ બનાવવાની માંગ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં નર્મદા યોજનાનું પાણી પહોંચાડવામાં આવે તો પીવાના અને ખેતીના પાણીની મોટી સમસ્યા હલ થઈ શકે તેમ છે. જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અપૂરતા શિક્ષકોની ગંભીર સમસ્યા અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરાઈ હતી. આ વેળાએ અગ્રણીઓ વણવીર સોલંકી, રામજીભાઈ ચાવડા, હરેશ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ લોકસંવાદ પૂર્વે શ્રી ચૌધરીએ બાલાસર ખાતે સમર્થ સંસ્થા દ્વારા પાણી યોજના અંગે કરવામાં આવેલી કામગીરી નીહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. દરમ્યાન શિરાનીવાંઢની પ્રાથમિક શાળાની મુલાકાતમાં ભાવસભર દૃશ્ય જોવા મળ્યું હતું. તેમના યુનિફોર્મ પર સ્ટાર જોઈને બાળકોએ પૂછયું હતું કે, પોલીસ બનવા માટે શું કરવું પડે? ત્યારે તેમણે સહજતાથી વાત કરી ભણતર ઉપર ભાર મૂક્યો હતો. તેમણે અભિભૂત થઇ કહ્યું હતું કે, કચ્છ વાગડના લોકોની મહેમાનગતિ અને તેમણે આપેલો પ્રેમ અવિસ્મરણીય છે. હું આ વિસ્તારની ફરી મુલાકાત ચોક્કસ લઇશ. આ વેળાએ તેમની સાથે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા, બાલાસર પીએસઆઇ ડી.આર. ગઢવી, બીએસએફ કમાન્ડર શ્રી નેગી, નાયબ મામલતદાર, તલાટી વગેરે હાજર રહ્યા હતા. આઈજીપી શ્રી ડામોરે જુણા-દેઢિયા ગામની પણ મુલાકાત લેવા સાથે જુણા ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે લોકો સાથે સીધો સંવાદ કરીને ગામની સમસ્યાઓ સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા અને શાળાઓમાં પણ ગયા હતા, જેમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી કહ્યું હતું કેછાત્રો દેશના ભાવિ નાગરિકો છે. તેથી ખૂબ મહેનત કરી દેશને ગૌરવ અપાવજો તેવી શુભેચ્છા પણ આપી હતી. તે ઉપરાંત સરહદી ગામોમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો જવાબદારી સમજીને પોલીસને તેની તાત્કાલિક જાણ કરવી તેવી સૂચના પણ આપી હતી. આ વેળાએ ગામના સરપંચ તલાટીમંત્રી, શિક્ષકો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ખાવડા પીએસઆઈ શ્રી ચાવડા સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd