• શનિવાર, 13 જૂન, 2026

દીનદયાલ પોર્ટ કચેરી ખાતે આધુનિક ગ્લાસ હાઉસનું નિર્માણ

ગાંધીધામ, તા. 11 : તમામ મહાબંદરોમાં નંબર વન રહેલા દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ગાંધીધામ સંકુલને આધુનિક કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરાયું છે. પોર્ટના ભાવિ પ્રોજેક્ટ કારણે વિદેશી પ્રતિનિધિમંડળોની મુલાકાત વિશેષ પ્રમાણમાં થઇ રહી છે. પોર્ટના પ્રશાસનિક ભવનના પરિસરમાં આધુનિક ભવન ગ્લાસ હાઉસનું નિર્માણ  થઇ રહ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ અધ્યક્ષ કાર્યાલય પાસે છેલ્લા કેટલાક સમયથી આ આધુનિક ભવન નિર્માણની કામગીરીમાં માતબર રકમના ખર્ચે ગ્લાસ હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. પ્રશાસનિક ભવનમાં પ્રવેશતાં જ ચેરમેન ઓફિસ તરફ લાલ કલરનું ભવન નજરમાં આવે છે. પોર્ટ પ્રશાસન દ્વારા આધુનિક ઇન્ટિરીયર સાથે ગ્લાસ હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. આધારભૂત વર્તુળો પાસેથી મળતી વિગતો મુજબ પોર્ટની બોર્ડ માટિંગ, રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય કક્ષાની માટિંગ સહિતના તમામ આયોજનો આ આધુનિક ભવનમાં કરશે. આ ભવનમાં 150 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા વિક્સવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અધ્યક્ષ કાર્યાલય સામે આવેલા પાર્કિંગ સ્ટેન્ડ હટાવી ત્યાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન એક્ષેલેન્સ સેન્ટરનું મોડેલ તૈયાર કરાયું છે. આ એક્ષેલેન્સ સેન્ટર આદિપુર ગાંધીધામની વચ્ચે નિર્માણ કરશે. હાલ પ્રશાસનિક ભવન ખાતે જી.એચ. 2 ભવનમાં વિવિધ માટિંગો, એમ.ઓ.યુ. સાઈન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ, ઇ-મિથેનોલ બકરિંગ, શિપ બિલ્ડિંગ, ડીપી વર્લ્ડ દ્વારા આકાર પામતું મેગા કન્ટેનર ટર્મિનલ સહિતના પ્રોજેક્ટોથી પોર્ટમાં વિદેશી પ્રતિનિધિમંડળની મુલાકાતો સમયાંતરે થતી રહે છે ત્યારે આ આધુનિક ભવનનાં નિર્માણથી ટ્રેડને એક સારી સુવિધા ઉપલબ્ધ થશે તેમજ વિદેશી પ્રતિનિધિઓમાં પણ પોર્ટની સુવિધાઓ પ્રત્યે સકારાત્મક અભિગમ આવશે, તેવું જાણકારો જણાવી રહ્યા છે. હાલ 70 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. ઇન્ટિરીયર સહિતની કામગીરી મહિનાઓમાં પૂરી કરાય તેવી શક્યતા છે.   

Panchang

dd