• શનિવાર, 13 જૂન, 2026

કચ્છમાં પ્રથમવાર વેદલક્ષણા ગૌયાગનો ઇતિહાસ રચાયો

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 4 : અહીંથી મુંદરા રસ્તે મૂળ માધાપરના તાન્ઝાનિયા નિવાસી ગિરધરભાઇ પિંડોરિયા દ્વારા વિશિષ્ટ રીતે વેદલક્ષણા ગૌયાગનો ઇતિહાસ રચાઇ રહ્યો છે. સવા લાખ વેદોક્ત આહુતિઓ સાથે વિવિધ રોગચાળામાં મૃત્યુ પામેલા ગૌવંશના આત્માની શાંતિ માટે આ યાગ યોજાયો છે. ભુજ મંદિરના સંતો, દાતાઓએ હાજરી આપી હતી. ગોરસિયા ફાઉન્ડેશન બળદિયા, ગિરધરભાઇ પિંડોરિયા પરિવાર ગૌસેવા ગતિવિધિ-કચ્છના સહકારથી વી કોંક્રીટ કેરા-મુંદરા રોડટચ યોજાયેલા આ વિશિષ્ટ યજ્ઞમાં સનાતનધર્મી ભક્તોની હાજરી નોંધપાત્ર રહી છે. ગુરુવારે જાણીતા દાનવીર કે. કે. પટેલ સાથે રવજીભાઇ વરસાણી (મોશી), ઘનશ્યામભાઇ ટપરિયા, ગણપતભાઇ (ઓસ્ટ્રેલિયા - મેઘપર), વેલજીભાઇ ભુડિયા (માધાપર), જાદવજીભાઇ ગાજપરિયા, નવીનભાઇ મેપાણી, રામજીભાઇ વેલાણી, મેઘજીભાઇ હીરાણી, નવીનભાઇ પાંચાણી સહિતના અનેક આગેવાનો જોડાયા હતા. શાત્રોક્ત ઋચાઓ, ગૌસુક્ત-ચતુર્વેદ પારાયણના પાઠ વચ્ચે પ્લાસ્ટિકમુક્ત પરિવેશમાં દેહશુદ્ધિ સાથે જ મુખ્ય વેદી પ્રવેશ ચારેય બાજુ 21 સુરભિ ગૌમાતાઓ, વેદયજ્ઞ અગ્નિની સાક્ષીએ મંગળ વાતાવરણમાં ભુજ મંદિરના વરિષ્ઠ સંતો શ્રીહરિ સ્વામી, શ્રીરંગ સ્વામી, ગૌલોકવિહારી સ્વામી, પાર્ષદવર્ય ખીમજી ભગત, માવજી ભગતે દાતા ગિરધરભાઇના પ્રયાસને વધાવી સાચા અર્થમાં વેદલક્ષણા સાકાર કર્યાનું કહ્યું હતું. ગાયને માતા કહેવા માત્રથી નહીં, સેવાથી મા માનવા આશીર્વાદ આપ્યા હતા. અધિક માસમાં યોજાઇ રહેલ આ યાગ કચ્છમાં પ્રથમ હોવાનું જાહેર કરાયું હતું. ઓમ સુરભ્યે નમ:ની આહુતિઓથી વાતાવરણ અને ગૌભક્તિ દીપી ઊઠી હતી. તા. 2થી શરૂ થઇ 8/6ના વિરામ પામશે. કચ્છના સર્વે ગૌભક્તોને દર્શન-પ્રદક્ષિણાનો લાભ લેવા ઇજન અપાયું હતું. 

Panchang

dd