• ગુરુવાર, 04 જૂન, 2026

વાગડમાં શિક્ષણના નવા અધ્યાયનો આરંભ

કટારિયા (તા. ભચાઉ), તા. 3 : જિલ્લાના અંતરિયાળ વાગડ વિસ્તારમાં છેલ્લા 84 વર્ષથી શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય કોઇ પણ જાતના સામાજિક, આર્થિક ભેદભાવ વગર સંપૂર્ણ નિ:શુલ્ક શિક્ષણ કાર્ય કરી રહેલ છે. તે હવે એક નવી ઊંચાઈ સર કરવા જઈ રહ્યું છે. સંસ્થાના પટાંગણમાં સાકાર થયેલાં ચંચળબા વિદ્યાલય સંકુલનું લોકાર્પણ આગામી 7 જૂન, 2026, રવિવારે એક ઐતિહાસિક શૈક્ષણિક મહોત્સવ સ્વરૂપે ઊજવાશે. ઈ.સ. 1942માં સમાજના મોભીઓના પુરુષાર્થથી માત્ર 4 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ સંસ્થાએ અનેક ચડાવ-ઉતાર જોયા છે અને 2001ના વિનાશક ભૂકંપમાં સંસ્થાની ઇમારતને નુકસાન થયું હોવા છતાં તે અડીખમ ઊભી રહી છે. આજે 82 વર્ષનો વિશાળ ઘટાટોપ વડલો બની ગયેલી આ સંસ્થાએ સેંકડો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી તેમનું જીવન ઘડતર કર્યું છે. આજની નવી શિક્ષણનીતિ અને વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક ઈમારતની તાતી જરૂરિયાત હતી. 32થી વધુ ગામોના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે, જેમાંથી 90 ટકા વિદ્યાર્થીઓ સામાન્ય વર્ગમાંથી આવે છે અને તેમને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ નવાં સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંકુલનું નિર્માણ કોઈ પણ સરકારી સહાય વિના, સંપૂર્ણપણે લોકભાગીદારી દ્વારા અને દાતાઓના આર્થિક સહયોગથી સાત કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પૂર્ણ કરાયું છે. અહીં કોમ્પ્યુટર લેબ, રસાયણશાત્ર અને ભૌતિકશાત્રની અદ્યતન લેબોરેટરી, વિશાળ વાંચનાલય, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ઇન્ડોર ગેમ હોલ, આધુનિક વ્યાયામશાળા, વહીવટી કાર્યાલય સહિતની અદ્યતન સુવિધાઓ સુલભ કરાઈ છે. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય ઉદ્ઘાટક તરીકે હાજરી આપશે. શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા, ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેશે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વીરેન્દ્રાસિંહજી જાડેજા, માલતીબેન મહેશ્વરી પણ વિશેષ અતિથિ તરીકે જોડાશે. સંસ્થા આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓનું વિશેષ સન્માન કરશે, જેમાં મુખ્ય દાતા ચંચળબેન ઉગરચંદભાઈ પોપટલાલ ગઢેચા પરિવારના યોગદાનને વિશેષ રીતે બિરદાવવામાં આવશે. કાર્યક્રમના આયોજન અંતર્ગત 6 જૂન, 2026, શનિવારના રોજ સાંજે 7:00 કલાકે રાજભા ગઢવી અને તેમની ટીમ દ્વારા સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને 7 જૂન, 2026, રવિવારના રોજ સવારે 9:30 કલાકે નૂતન સંકુલનું લોકાર્પણ, મુખ્ય દાતાઓનું સન્માન અને મહાનુભાવોના પ્રેરક વક્તવ્યો યોજાશે. આ પ્રસંગે દરેક સમાજના સામાજિક આગેવાનો, રજકીય આગેવાનો અને શિક્ષણજગતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સમગ્ર કચ્છ અને વાગડ વિસ્તારના શિક્ષણપ્રેમીઓને ઉપસ્થિત રહેવા સંસ્થા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. 

Panchang

dd