• સોમવાર, 01 જૂન, 2026

મોંઘારતનો `માર' શરૂ, મરો મધ્યમ-ગરીબ વર્ગનો

ભુજ, તા. 31 : થશે, નહીં થાય અને આવશે કે નહીં આવે તેવા એક લાંબા દોર પછી ધારણા મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સામાન્ય વર્ગ માટે માઠી કહી શકાય તેવી નિષેધાત્મક અસરો હવે રીતસરની દેખાવા લાગી છે. મોંઘવારી અને ભાવમાં વધારાથી શરૂ થઈ રહેલી આ સ્થિતિ આગળ જતાં મંદી અને પ્રોપર્ટી ક્રેસ જેવા અનિચ્છનીય પરિબળોનું બેશક દર્શન કરાવી શકે તેવી સક્ષમ તજજ્ઞો અને આર્થિક નિષ્ણાતોને લાગી રહી છે. વર્તમાન સમયના સમાજમાં જેમની સંખ્યા સૌથી વિશેષ છે  અને જેમની આવક ચોક્કસ માળખાંમાં બંધાયેલી છે તેવા ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના જીવનનિર્વાહના તમામ સમિકરણો બૂરી રીતે બગાડી નાખે તેવો માહોલ સર્જાય તેવી દહેશત પણ સેવાઈ રહી છે. જે ગમે ત્યારે વિશ્વયુદ્ધમાં તબદીલ થઈ શકે તેમ હોવાની સંભાવનાવાળી ઈરાન-અમેરિકા વચ્ચેની લડાઈ છતાં બંગાળ સહિતના રાજ્યોની ચૂંટણીના કારણે સ્થિર રહેલા ઈંધણના ભાવ ધાર્યા મુજબ ચૂંટણી સંપન્ન થયા બાદ વધ્યા. એક વખત નહીં પણ તબક્કાવાર ત્રણ વખત વધેલા પેટ્રોલ, ડીઝલ, સી.એન.જી.ના ભાવની સાથોસાથ ઘરેલુ અને વ્યવસાયી વપરાશના ગેસના ભાવ પણ વધ્યા. અનુભવીઓ અને નિષ્ણાતો આ સ્થિતિને સર્વગ્રાહી રીતે કેન્દ્રમાં રાખીને કહી રહ્યા છે કે અત્યારે કચ્છ સહિત રાજ્ય અને દેશમાં ડીઝલ મળવા માટે જે કટોકટી સર્જાઈ તે લાંબી ચાલી તો તેની નકારાત્મક અસર મોંઘવારી અને ભાવવધારાથી લઈને માત્ર ગૃહિણીઓના રસોડે જ નહીં, પણ જણજણને અસરકર્તા બની રહે તેમ છે. યુદ્ધની સીધી અસર વચ્ચે બજારનો માહોલ નિહાળવા વિવિધ વ્યાપારી ક્ષેત્રોમાં લટાર મારતાં મોંઘારતના ડામ શરૂ થઈ ચૂક્યા હોવાના આંકડા સામે આવ્યા હતા. પેટ્રોલ અને ડીઝલ તથા ગેસના ભાવમાં વધારો અને જથ્થામાં કાપ વચ્ચે પ્રત્યેક ઘરમાં જેની રોજેરોજ અવશ્ય જરૂરિયાત રહે તેવા દૂધના ભાવમાં દેશની નામાંકિત કંપની અમૂલ દ્વારા વધારો કરાયો. આની સીધી અસર સ્વરૂપે હવે લૂઝ દૂધ વેચનારા વિક્રેતાઓએ પણ ભાવમાં વધારાનું મન બનાવી લીધું છે. એકથી ત્રણ રૂપિયાનો આ વધારો અમુક સ્થળે આવતીકાલે પહેલી તારીખથી શરૂ થઈ રહ્યો છે, તો અમુક જગ્યાએ તો આ વધારો લાગુ પણ પડી ગયો છે. ગેસ પછી દૂધની આ મોંઘવારી સામાન્ય અને મોટાભાગના વર્ગ માટેના મનપસંદ પીણા ચા ઉપર ઈફેક્ટ પાડનારી  બની રહી છે. 10 રૂપિયામાં મળતો ચાનો અડધો કપ અત્યારે અમુક જગ્યાએ 12 અને 15 રૂપિયાનો થઈ ચૂક્યો છે અને બાકીના સ્થળે થવા જઈ રહ્યો છે. જે સમાજના એક મોટા કહી શકાય તેવા વર્ગને અસરકર્તા બની રહેશે. આર્થિક બાબતોના નિષ્ણાતો સાથે આ બાબતે વાતચીત કરતાં તેઓ અર્થશાત્રના માંગ-પુરવઠો અને ભાવવધારાનો નિયમ આગળ ધરીને કહી રહ્યા છે કે, ઈંધણની ઈફેક્ટથી કોઈ ક્ષેત્ર બચી શકશે નહીં. ગેસ, દૂધ અને ચાના ભાવ બાદ હવે જ્યારે અનાજ-કરિયાણા અને શાકભાજીમાં વધારાની અસર શરૂ થશે ત્યારે સ્થિતિ જણ-જણને અસર કરનારી બની રહેવાની ભીતિ છે. આ વર્ગ છેલ્લા કેટલાક સમયની શેરબજારની હાલક-ડોલક અને તોટાળાવાળી સ્થિતિ બતાવતા કહે છે કે, સોનું, ચાંદી અને માર્કેટ જેવું જ આગળ જતા રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ અનુભવી શકે છે. છેલ્લા અમુક દિવસોથી જમીનો અને મકાનોના સોદામાં દેખાયેલી ઓછપ અને ભાવ સ્થિર રહેવા કે નીચા જવાનું પરિબળ આ જ સ્થિતિનું પરિણામ બનવા લાગ્યું છે. પ્રોપર્ટી ક્રેશનો માહોલ મહાનગરોને વધુ પીડી રહ્યો હોવાનું આંકડા બતાવી રહ્યા હોવાનું આ વર્ગ ઉમેરી રહ્યો છે. - ઈંધણ લાવશે બધામાં તેજી : પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાને લઈને પરિવહન પામનાર દરેક માલ અને વસ્તુ ભાવવધારાની ઝપટે ચડીને રહેશે. એક પેટ્રોલપંપ સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જરૂરત મુજબનો પુરવઠો તેમને પણ મળતો નથી. આના કારણે ખાસ કરીને ભારવાહક વાહનોને અપાતા જથ્થામાં કાપ આવ્યો છે. આવું ને આવું લાંબુ ચાલ્યું તો ભાવના વધારાથી કોઈ ક્ષેત્ર કે વસ્તુ બચી શકે તેમ નથી. - તેલ અને દાળ બન્યાં મોંઘાં : ભુજમાં ભુજિયા ડુંગરની તળેટીમાં કાર્યરત જિલ્લાની સૌથી મોટી એવી નવી જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ રમેશચંદ્ર ઠક્કર સાથે વાતચીત કરતાં તેમણે સ્વીકાર્યું હતું કે, છેલ્લા પખવાડિયા દરમ્યાન ખાદ્યતેલ અને અમુક દાળમાં 100થી 200નો વધારો થયો છે. અલબત્ત ઘઉં અને ચોખાના ભાવ હજુ સ્થિર છે. જે સારી બાબત છે. રાજ્ય બહારથી માલ લઈને આવતા ભારવાહક વાહનોના ભાડામાં 40 ટકા જેવો વધારો આવી ચૂક્યો છે. જેની આ અસર છે. અલબત્ત લોકલ પરિવહનમાં હજુ ભાડા વધ્યા ન હોવાથી રાહત છે. યુદ્ધના શરૂઆતી દિવસોમાં અછત અને કટોકટી જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને ઘરાકી જોવા મળી હતી, પણ હાલે ખરીદારી પૂર્વવત બની રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. - ગૃહિણી વર્ગ અસરકર્તા : વર્ષ દરમ્યાન ક્યારેક ટમેટા તો ક્યારેક ડુંગળી અને લસણ જેવી રોજિંદી ઘરવપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારાથી સરાસરી ઘર ચલાવવા માટે બેકફૂટ ઉપર રહેતો આવતો ગૃહિણી વર્ગ હાલની સ્થિતિમાં ઘેરી ચિંતા અનુભવી રહ્યો છે. આ બાબતનું પ્રતિબિંબ પાડતા ભુજના ગીતાબેન નામના ગૃહિણી કહી રહ્યા છે કે, ચોક્કસ અને નિયત આવક ધરાવનારા પરિવારો માટે આનાથી સ્થિતિ થોડી વધુ કઠણ બની છે. કેમ કે, થોડો ભાવવધારો પણ તેમની ચોક્કસ આવક સામે મોટો બની રહે છે. - ગરીબ-મધ્યમ વર્ગને હાનિ સમાજનો માંડ 20 ટકા જેવો નજીવો કહી શકાય તેવો વર્ગ એવો છે કે, જેમને મોંઘવારી નડે તેમ નથી, પણ બાકીના વર્ગ માટે આ સ્થિતિ જરાયે સહ્ય નથી. જાહેર માર્ગો ઉપરથી કચરો અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરવા સાથે જીવનનો ગુજારો કરી રહેલાં શ્રમજીવી પરિવારના મોતીભાઈ નામના સદસ્યે જણાવ્યું હતું કે, હાલ તો ગમે તે રીતે ગાડું ગબડી જાય છે. પણ ઘઉં, ચોખા મોંઘા થયે ખરેખરી કપરી સ્થિતિ સર્જાશે. - સામાન્ય જણ જાયે તો કહાં : દરમ્યાન સામાન્ય કહી શકાય તેવા વર્ગની વ્યક્તિ અગાઉ દરેક સમયે ઊભી થયેલી આવી સ્થિતિને સહી ચૂક્યા પછી આ વખતે પણ જાણે મનોમન તૈયાર થઈ ચૂક્યો છે. આ વર્ગ આંકડાકીય દલીલો સાથે જણાવી રહ્યો છે કે, ગેસના ભાવમાં ચોક્કસ વધારો થયો, પણ તેની સાપેક્ષ વડાપાંઉ કે દાળ પકવાન યા તો ચા જેવી ફાસ્ટફૂડની હાથલારી ઉપર કે હોટલ-રેસ્ટોરન્ટમાં મળતી ખાદ્યચીજોના ભાવનો વધારો જોઈએ તો રિટેલ વિક્રેતાનો નફો હતો તેનાથી ઘણો વધે છે અને માર ગ્રાહકોના બરડે આવે છે. ઘરોઘર જઈને દૂધ પહોંચાડનારા દ્વારા થનારો વધારો પ્રત્યેક પરિવારને ઓછેવત્તે અંશે અસર પાડનારો બની રહેવાનું પણ તેમણે ઉમેર્યું હતું. સામાન્ય સંજોગોમાં ક્યારેક જ કે બહુ ઓછું બોલતા આ વર્ગે એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, સ્થિતિ સુધર્યા બાદ વધેલા ભાવ પાછા ઘટયા હોય તેવું જોવા મળ્યું નથી. 

Panchang

dd