ગાંધીધામ, તા. 31 : ગાંધીધામ - આદિપુર જોડિયા શહેરોમાં
વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. ચોમાસાંમાં જળબંબાકાર જેવી સ્થિતિ થાય છે, તે વચ્ચે મહાનગરપાલિકા બની એટલે કરોડો રૂપિયાના
ખર્ચે નવા માર્ગોની સાથેસાથે વરસાદી નાળાંઓનું પણ નિર્માણ થાય છે, પરંતુ ક્રોમા સેન્ટરથી લઈને અપનાનગર ચાર રસ્તા સુધી બંને બાજુ આરસીસીનાં મોટાં
વરસાદી નાળાં બનાવવાનાં છે તે પ્રકારનું જ ટેન્ડર હતું, પરંતુ
અચાનક ગાંધી માર્કેટથી અને તેમાં પણ ખાસ કરીને જૂના પોલીસ સ્ટેશન વિસ્તારથી ફેરબદલ
કરીને આરસીસી જગ્યાએ જૂના દોઢ ફૂટની વરસાદી નાળીને સાફ કરીને તેની ઉપર ઢાંકણાં ઢાંકીને
પેવરબ્લોકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેનાં પગલે અનેક
સવાલો ઊઠી રહ્યા છે. ચોમાસાંમાં જૂના પોલીસ સ્ટેશનનો આખો વિસ્તાર જળબંબાકાર થાય તેવી
સ્થિતિ છે. લગભગ પાંચ કરોડથી વધુના ખર્ચે ક્રોમા સેન્ટરથી લઈને અપનાનગર ચાર રસ્તા સુધીનો
માર્ગ બનાવવાનો છે, તેની સાથેસાથે બંને બાજુ આરસીસી વરસાદી નાળાંઓ
બનાવવાના હતા, પરંતુ તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીની બદલી થઈ
ગઈ છે, એટલે હવે કામગીરી ઉપર પૂરતું ધ્યાન અપાતું નથી. ગાંધી
માર્કેટથી આરસીસી વરસાદી નાળા બનાવવાનું કામ બંધ કરાયું છે અને તેની જગ્યાએ ગાંધી માર્કેટની
સામેની બાજુનું જૂનું વરસાદી નાળું કાર્યરત કર્યું છે, જે દોઢ
ફૂટનું છે અને મામલતદાર કચેરી ચાર રસ્તાથી પોલીસ સ્ટેશન થઈને અપનાનગર ચાર રસ્તા સુધી
બંને બાજુનાં વરસાદીનાળાંઓ નવાં બનાવવાના બદલે જૂના લગભગ દોઢ ફૂટના વરસાદી નાળાંઓ ખોલીને
તેની સાફ-સફાઈ કરી તેની ઉપર ઢાંકણા ઢાંકીને પેવરબ્લોક નું કામ શરૂ કર્યું છે. હવે આ
દોઢ ફૂટનાં વરસાદી નાળાંમાંથી પાણીનું વહન થવું અત્યંત મુશ્કેલ છે. આરસીસી નાળાં બનાવ્યા
હોત તો પાણીનો નિકાલ થઈ શકત, પરંતુ હવે આખો વિસ્તાર જળબંબાકાર
થવાની ભીતિ છે. આરસીસી નાળાંઓ બનાવવાના હતા, તો પછી અડધેથી આ
નાળાંઓ બનાવવાનું શુંકામ બંધ કર્યું છે એ સહિતના સવાલો છે. કોન્ટ્રાક્ટરને લાભ પહોંચાડવા
માટે આવી કામગીરી કરી હોવાના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખરેખર
મ્યુનિશિપલ કમિશનર દ્વારા ભૌગોલિક સ્થિતિને સમજીને આ નિર્ણય યોગ્ય છે કે નહીં તેની
સમીક્ષા કરવી જોઈએ. ચોમાસાં દરમિયાન વિસ્તાર જળબંબાકાર થવાની ભીતિ છે, તો હવે પાણી નિકાલની શું વ્યવસ્થા કરવામાં આવશે તે સહિતના સવાલો ઊભા થયા છે.