નવીદિલ્હી, તા. 31 : ઈઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબનોનમાં
વ્યૂહાત્મક રીતે મહત્વની એવી એક પહાડી ઉપર કબજો જમાવી લીધો છે. આ પહાડનાં શિખર ઉપર
બ્યૂફોર્ટ કિલ્લો સ્થિત છે. આ ગઢ ઉપર આશરે 44 વર્ષનાં લાંબા ગાળા બાદ ઈઝરાયલનો ઝંડો ફરક્યો હતો. છેલ્લા 26 વર્ષમાં ઈઝરાયલી સેના તરફથી
લેબનોની અંદર કરવામાં આવેલો આ સૌથી ઉંડો કબજો છે. ઈઝરાયલની સેના તરફથી આપવામાં આવેલી
અધિકૃત જાણકારી અનુસાર સેનાએ નબાતિયેહ શહેર પાસે સ્થિત બ્યૂફોર્ટ કિલ્લા આસપાસનાં ગામોમાં
અનેક દિવસ હિઝબુલ્લા સામે ચાલેલા ભીષણ ઘર્ષણ બાદ કબજો જમાવી લીધો છે. આ કિલ્લા ઉપર
ઈઝરાયલનું નિયંત્રણ માર્ચનાં આરંભથી ચાલુ થયેલા યુદ્ધમાં સૌથી મહત્વની સફળતા માનવામાં
આવે છે. આ પહેલા 1982માં પણ ઈઝરાયલી
સેનાએ આ ગઢ કબજે લીધો હતો અને વર્ષ 2000માં લેબનોનમાંથી તેની વાપસી સુધી તેનો અંકુશ રહ્યો હતો.