• સોમવાર, 01 જૂન, 2026

નંદગામ ચીરઈમાં અબોલ પશુઓ માટે નીરણ કેન્દ્ર શરૂ કરાયું

ભચાઉ, તા. 31 : અબોલ જીવો માટે સારો વરસાદ થાય બાદ ઘાસ ઊગે ત્યાં સુધી નંદગામ ચીરાઈ ખાતે નીરણ કેન્દ્ર શરૂ કરાયું છે. કચ્છમાં જીવદયાનાં સેવાકાર્યને વેગ આપતાં સહત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત) દ્વારા નંદગામ ચીરઈ ખાતે 700થી વધુ અબોલ જીવો માટે એક ધાસચારા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી ચોમાસાંમાં સારો વરસાદ ન થાય ત્યાં સુધી આ કેન્દ્ર અવિરત કાર્યરત રહેશે, જેનું સંપૂર્ણ વ્યવસ્થાપન અને દેખરેખની જવાબદારી ભચાઉ જીવદયા મંડળ  દ્વારા સંભાળવામાં આવશે. આકરા ઉનાળાના લીધે સીમવિસ્તારોમાં ઘાસ નથી, વિકટ પરિસ્થિતિનાં કારણે માલધારીઓ પોતાનાં પશુધનના નિભાવ માટે મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ અજાણતા પણ ગૌવંશ કતલખાને ન ધકેલાય તે માટે જીવદયા મંડળ ભચાઉ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરીને સુરતના જીવદયાપ્રેમી લહેરુભાઈ શાહ (ચાવાળા) સમક્ષ રજૂઆત કરી હતી અને તેમણે આર્થિક સહયોગ આપીને આ કેન્દ્ર શરૂ કરાવ્યું છે. દરરોજ 2000 પશુને ઘાસ આપવાનું આયોજન છે અને દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવે તેવી અપીલ ભરત એ.ડી. મહેતાએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં દાતા લહેરુભાઈ શાહ સહિત મુંબઈ- સુરતના નવ સેવાભાવી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને જીવદયા મંડળના હિંમતભાઈ મહેતા, સતીશભાઈ મહેતા, ભરતભાઈ મહેતા, જયસુખભાઈ કુબડિયા તેમજ ચીરઈના સરપંચ હરપાલાસિંહ જાડેજા અને અગ્રણીઓએ ઉપસ્થિત રહીને આ કાર્યને બિરદાવ્યું હતું. 

Panchang

dd