માંડવી, તા. 28 : દરિયાઇપટ્ટીના માંડવી તાલુકામાં
નગરપાલિકામાં ભાજપે સપાટો બોલાવ્યો, તો તાલુકા-જિલ્લા પંચાયતમાં પણ જ્વલંત વિજય મેળવી વિકાસનાં ઓવારણા લીધાં હતાં.
તાલુકા પંચાયતમાં 16 બેઠક સાથે
ભાજપે સત્તા મેળવી, તો જિ. પંચાયતની
ચારેય બેઠકો કેસરિયા પાર્ટીએ કબજે કરી હતી. માંડવી તાલુકાની જિલ્લા પંચાયતની ચાર સીટમાં
ભાજપનો કમળ સોળે કળાએ ખીલ્યું હતું. તાલુકા પંચાયતની 20 બેઠક પૈકી 16 બેઠક ભાજપને જ્યારે ચાર બેઠક
કોંગ્રેસને ફાળે અપાઇ હતી. મતગણતરી દરમ્યાન ઇવીએમના પાંચ મશીનની પેટી જિલ્લા પંચાયતના
બદલે તાલુકા પંચાયતના કાઉન્ટિંગ રૂમમાં પહોંચી જતાં માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખે
વાંધો ઊઠાવ્યો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસને બે બેઠક મળી હતી, તેની સામે આ વખતે ચાર બેઠક મળી છે. તાલુકા ભાજપ
પ્રમુખ સામતભાઇ ગઢવીએ કહ્યું હતું કે, લોકોએ વિકાસને મહત્ત્વ
આપીને ગત ટર્મની જેમ આ વખતે પણ ભાજપમાં પૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. તાલુકા કોંગ્રેસ
પ્રમુખ વલ્લભભાઇ વેલાણીએ ઇવીએમ મશીનમાં છબરડા થયાના આક્ષેપ કરી મતદારોનો નિર્ણય શિરોમાન્ય ગણાવ્યો હતો.