ભુજ, તા. 28 : એક ગામડાં જેવા વિશાળ સંકુલમાં
આવેલી ભુજની ઈજનેરી કોલેજનું ભવન તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાના વિજયી ઉમેદવારોનું
સાક્ષી બન્યું હતું. સવારે 9 વાગ્યાથી
શરૂ થયેલી મતગણતરીમાં ભુજ તાલુકાની જિલ્લા પંચાયતની આઠે આઠ બેઠક ભાજપે કબજે કરી કોંગ્રેસને
કારમો ફટકો પહોંચાડયો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસે રહેલી કેરા અને દિનારા બેઠક
કોંગ્રેસ પાસેથી આંચકવામાં ભાજપ સફળ રહ્યું હતું. પચ્છમ વિસ્તારની દિનારા બેઠક પર બે
દાયકા બાદ ભાજપે વિજય મેળવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડયું હતું. તાલુકા અને જિ. પંચાયતની
ચૂંટણીનાં પરિણામોમાં ક્રોસવોટિંગ થયેલું મોટાપાયે જોવા મળ્યું છે. જિ. પંચાયત બેઠક
પર ભાજપે વિજય મેળવ્યો ત્યાં ને જિ. પંચાયત હેઠળ આવતી તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસે
વિજય મેળવ્યો છે એ કારણે આ વખતનાં ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે ગત ચૂંટણી કરતાં વધુ
બેઠક મેળવી છે. સવારથી ધમધમાટભર્યા માહોલ વચ્ચે મતગણતરીની કામગીરી શરૂ થઈ અને બપોરે
ચાર વાગ્યા સુધી ચૂંટણીનું અંતિમ પરિણામ સ્પષ્ટ થઈ ગયું હતું. જિ. પંચાયતની આઠે-આઠ
બેઠક પર કેસરિયો લહેરાતાં ભાજપની છાવણીમાં ઉલ્લાસ જોવા મળ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ
માહોલમાં સંપન્ન થયેલી મતગણતરી પ્રક્રિયામાં ખાસ કરીને ભુજની માધાપર અને સુખપર બેઠકનો
જંગ પ્રતિષ્ઠાભર્યો બની રહ્યો હતો. માધાપર બેઠક પર ભાજપના રમેશ ધનજી ચાડે કોંગ્રેસના
મિતેશ ભાડકાને 9000થી વધુ મતોથી કારમી પછડાટ આપી હતી. પટેલ ચોવીસીની સુખપર
બેઠક પર તા. પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હરેશ નાનજી ભંડેરીએ કોંગ્રેસ તરફથી ચૂંટણી
લડતાં અરજણ દેવજી ભુડિયાને હાર આપી જીતની વિજયમાળા પહેરી હતી. ગત ચૂંટણીમાં આખા જિલ્લામાં
સૌથી વધુ સરસાઈ સુખપર બેઠક પરથી મળી હતી. બન્ની વિસ્તારની ભીરંડિયારા બેઠક પર પણ ભાજપે
ફરી એક વાર પોતાની વિજયપતાકા લહેરાવી છે. આ બેઠક પર પ્રથમ ચાર રાઉન્ડમાં કોંગ્રેસના
અનિલ શિવજી આહીરે સરસાઈ મેળવી હતી, પણ એ પછીના વોર્ડમાં ભાજપના અબ્દુલ્લા બુઢા જતે 2082 મતની સરસાઈથી જીત મેળવી લીધી
હતી. અબ્દુલ્લા બુઢા જતને 10,681, તો
કોંગ્રેસના અનિલ આહીરને 8,210 મત મળ્યા
હતા. દિનારા બેઠક પર ભાજપના જન્નતબાઈ રસુલ સમાને 8,725, તો તેમના હરીફ કોંગ્રેસના મરિયાબાઈ રસીદ સમાને 8,180 મત મળતાં ભાજપનો 545 મતની પાતળી સરસાઈથી વિજય થયો
હતો. કુકમા બેઠક પર ભાજપના ધનજી ખીમા ચાવડાએ 10,723 મત મેળવી વિજય મેળવ્યો હતો. તેમના હરીફ કોંગ્રેસના પાંચા વેલજી
કોઠીવારને હાર ખમવી પડી હતી. નારાણપર (પ.) બેઠકમાં ભાજપના ધનબાઈ દેવરાજ પિંડોરિયા અને
સુમરાસર (શેખ) બેઠક પર ભાજપના રાજેશ ગોપાલ કાગી વિજેતા થયા હતા. કેરા બેઠક કોંગ્રેસ
પાસેથી આંચકવામાં ભાજપે સફળતા મેળવી હતી. અહીં ભાજપના રાજેશ રામજી ચાવડા વિજેતા થયા હતા. નોંધનીય છે કે, આ વખતે રોટેશનમાં મહત્ત્વના બદલાવ જોવા મળતાં
જિ. પંચાયતના વર્તમાન તમામ 26 સભ્યો તક ગુમાવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભુજ તા. પંચાયત હેઠળની
આઠ જિ. પંચાયતમાં ભીરંડિયારા બિનઅનામત સામાન્ય, દિનારા સા.ક્ષૈ. પછાતવર્ગ, કેરા સા.ક્ષૈ. પછાતવર્ગ,
માધાપર સા.ક્ષૈ. પછાતવર્ગ, નારાણપર (પ.) સામાન્ય
ત્રી, સુખપર બિનઅનામત સામાન્ય, સુમરાસર
(શેખ) અનુજાતિ માટે નવા સીમાંકનમાં ફાળવાઈ હતી. જિ. પંચાયતની આઠ બેઠકમાં નોટામાં 3800 મત પડયા હતા. સુખપર અને માધાપરના ઉમેદવારો 9000થી વધુ મતોની જંગી સરસાઈથી
જીત્યા છે.