• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

જન સમર્થન ભાજપને જંગી જીત આપશે

ભુજ, તા. 23 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના વેગવાન બનેલા વ્યાયામ વચ્ચે કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે ગુરૂવારે વિવિધ બેઠકોના પ્રવાસમાં પક્ષના ઉમેદવારોને મળી રહેલા સમર્થનને જોતાં ભાજપને જંગી બહુમતી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છના લોકળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેવા અને રાષ્ટ્રવાદની વિચારધારામાં ભારોભાર વિશ્વાસ મૂક્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ સમગ્ર કચ્છના ખૂણાખૂણાનો પ્રવાસ શરૂ કરી દેવાયો હતો અને અત્યાર સુધી જિલ્લા પંચાયતની વિવિધ સીટો તેમજ નગરપાલિકાઓમાં પ્રવાસ કરી સભાઓ, સંમેલનો, બેઠકો, પોકેટ માટિંગ, ખાટલા પરિષદો, કાર્યાલયોના ઉદ્ઘાટનો, સામૂહિક લોકસંપર્ક, વ્યક્તિગત મુલાકાતો તેમજ અલગ અલગ સામાજીક આગેવાનો સાથે બેઠકો યોજી વિજય અપાવવા અપીલ કરી હતી. પ્રવાસમાં લખપત તાલુકાના દયાપર અને ગાંધીધામમાં  મુખ્યમંત્રી સાથે વિકાસ સંકલ્પ સભા, અંજાર શહેર અને તાલુકા મંડળ સાથે બેઠકો તેમજ અંજાર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, રતનાલ ખાતે જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના કાર્યાલયનું ઉદ્ઘાટન, મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન અને લોકસંપર્ક, મુન્દ્રા શહેર મંડળ સાથે બેઠક, ભુજ તાલુકાની માધાપર અને સુમરાસર જિલ્લા પંચાયત બેઠકોના કાર્યાલયોના ઉદ્ઘાટન, નિરોણા જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન, રાપર જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના મધ્યસ્થ કાર્યાલયોને ખુલ્લા મુકવા સાથે લોકસંપર્ક, માંડવી તાલુકાના મોમાયમોરા ખાતે તલવાણા બેઠકના ઉમેદવારના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન ઉપરાંત ભુજ નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કાર્યાલયોના ઉદ્ઘાટન અને લોકસપર્કમાં જોડાયા હતા. નખત્રાણા ખાતે જિલ્લા અધ્યક્ષના પ્રવાસમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા. લોકોનો ભાજપ માટેનો પ્રેમ અને કાર્યકરોનો બુલંદીએ પહોંચેલો ઉત્સાહ જોઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ વિરોધીઓના ગઢને સંપૂર્ણ ધરાશાયી કરીને સફળતાપૂર્વક ભારે બહુમતીથી તમામ જિલ્લા પંચાયત બેઠકો, તમામ તાલુકા પંચાયતો અને બધી જ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલશે તેવો વિશ્વાસ શ્રી વરચંદે દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જયારે સમગ્ર દેશ અને ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ પણ બાકાત નથી. કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અગણિત વિકાસકામો થયાં છે ત્યારે લોકોને આ કામોથી રાજીપો છે અને સાથે સાથે વિકાસની નિરંતર પ્રક્રિયાના ભાગરૂપે બાકી રહેલા કામો પણ આગામી સમયગાળા ભાજપ દ્વારા સવેળા પૂર્ણ થશે એવો કચ્છના લોકોને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે.  જિલ્લા ભાજપ અધ્યક્ષ સાથે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, અજયભાઇ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, વિરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, પ્રદેશ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેષભાઇ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત જીલ્લા ભાજપના હોદેદારો, વિવિધ મંડલ અને મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓપાર્ટીના આગેવાનો, કાર્યકરો, સામાજીક સંસ્થા, વ્યાપારી મંડળોના આગેવાનો સાથે જોડાયા હતા તેમજ અનેક ધર્મગુરુઓના આશીર્વાદ મેળવ્યા હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.  

Panchang

dd