• બુધવાર, 01 એપ્રિલ, 2026

યુવા પેઢી પાસે ઈતિહાસ અને વારસાનું જ્ઞાન હોવું જોઈએ

અર્પિત ગંગર તરફથી : મુંબઈ, તા. 31 : હાલમાં મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને દીપક ફાઉન્ડેશન પ્રેરિત શ્રી ભદ્રંકરવિજય જ્ઞાનદીપ એવોર્ડ સમારોહ-2025નું આયોજન કરાયું હતું. જીવનઊર્જાના આર્કિટેક્ટ તરીકે જાણીતા મયંક બડજાત્યા અને જૈન મંદિરોના ઈતિહાસના દસ્તાવેજીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભૂષણ શાહને આ એવોર્ડ એનાયત કરાયા હતા. `જન્મભૂમિ' આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર હતું. ક્રાંતિકારી વિચારણા સાથે 1929માં જેની સ્થાપના થઈ હતી એ મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ સમારોહમા મુખ્ય મહેમાન તરીકે  સંજયભાઈ શાહ (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી), કુન્દનભાઈ વ્યાસ (જન્મભૂમિ પત્રોના મુખ્ય સંપાદક) અને બુલિયન કિંગ પૃથ્વીરાજ કોઠારી (રિદ્ધિસિદ્ધિ બુલિયન્સ લિમિટેડના મેનાજિંગ ડિરેક્ટર અને જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો)ના ચેરમેન) અને મુંબઇ જૈન યુવક સંઘના પ્રમુખ દિલીપભાઇ શાહ હતા. સંજયભાઈ એન્કરવાલાએ જણાવ્યું હતું કે, ઉમદા કાર્ય કરતી સંસ્થા સાથે જોડાવાનું જન્મભૂમિ ગ્રુપ પોતાનું કર્તવ્ય માને છે. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા કરવામાં આવી રહેલાં કાર્ય સાથે જોડાવાની તક મળી તે અમારા માટે આનંદની વાત છે. કુન્દનભાઈએ કહ્યું હતું કે, `બે પ્રકારના પુરસ્કારો હોય છે. પ્રથમ પ્રકારના પુરસ્કાર છે જેને પ્રાપ્ત કરો ત્યારે લોકો તમારી પીઠ થપથપાવે છે અને અભિનંદન આપે છે. બીજા પ્રકારનો પુરસ્કાર તમને આશીર્વાદ આપે છે અને તમારા માથાં પર હાથ રાખે છે. આ બંને એવોર્ડ વિજેતાઓએ જૈન સમુદાય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે અને ઇતિહાસને આપણી સમક્ષ લાવ્યો છે. જો આપણે યુવા પેઢીને આકર્ષવા માગતા હોઈએ, તો તેમની પાસે આપણા ઇતિહાસનું જ્ઞાન હોવું જોઈએ અને મુંબઈ જૈન યુવક સંઘ આ ર્કાય અસાધારણ અને સારી રીતે કરી રહ્યું છે.' દિલીપભાઇ શાહે સંગઠનની વિગતો વર્ણવી હતી. પૂણેના મયંક બડજાત્યાએ જૈન પંન્યાસ વૈરાગ્યરતીજી મહારાજસાહેબના માર્ગદર્શન હેઠળ, ભક્તામરસ્તોત્ર પર સંશોધન કર્યું છે અને `48 અનંત ઊર્જા' નામની એક અનોખી કૃતિ બનાવી છે, જેને રાષ્ટ્રીય માન્યતા મળી અને તેને શૈક્ષણિક અભ્યાસક્રમના ભાગરૂપે પણ સ્વીકારવામાં આવી. તેમણે ક્ષમા (ક્ષમા) મંદિરની પણ સ્થાપના કરી છે. અમદાવાદના ભૂષણ શાહ એક પ્રખ્યાત સંશોધક અને લેખક છે. ઘણા વર્ષોથી, તેમણે જૈન મંદિરોના ઇતિહાસનું દસ્તાવેજીકરણ અને જાળવણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પ્રાચીન જૈન મંદિરોને પુનર્જીવિત કરવા, યાત્રાધામ પરંપરાઓની જાળવણી કરવા અને જૈન શાસ્ત્રોનું રક્ષણ કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. - વિજેતાઓને રૂા. 1,00,000નો ચેક પણ અર્પણ કરાયો હતો. : ભદ્રંકરવિજય જ્ઞાનદીપ એવોર્ડની સ્થાપના 12 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તેનું નામ શ્રી ભદ્રંકરવિજય મહારાજસાહેબનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારનો પ્રાથમિક ઉદ્દેશ જૈન ધર્મ, જૈન ઈતિહાસ અને ભારતીય સાંસ્કૃતિક વારસા પર ઊંડાણપૂર્વક સંશોધન કરનારા વિદ્વાનોને પ્રોત્સાહિત કરવાનો છે. 

Panchang

dd