અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ આજે એક દિવસીય ગુજરાતની મુલાકાત દરમિયાન ભગવાન મહાવીર સ્વામીની જયંતીના પવિત્ર અવસરે ગાંધીનગરના કોબા તીર્થમાં
સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું.પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત જય જિનેન્દ્ર ના જયઘોષ સાથે કરી હતી. તેમણે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવતા
જણાવ્યું કે, `આજે મહાવીર જયંતી પાવન પર્વ પર મને અહીં આવવાનો અવસર મળ્યો છે.
ભગવાન મહાવીરના ચરણોમાં પ્રણામ કરુ છું. આ કોબા સ્થળ આધ્યાત્મિક શાંતિનું પ્રતિક બન્યુ
છે. આ સ્થળ પર જૈન મુનિ અને સંતોની તપસ્યા છે. કોબા તીર્થમાં મૂલ્યોનું સંરક્ષણ, સંસ્કારનું સંબલ અને જ્ઞાનનું પોષણ થાય છે.
આ ત્રિવેણી જ ભારતીય સભ્યતાનો મજબૂત આધાર છે. સમ્રાટ સંપ્રતિ ભારતના દર્શન અને વ્યવહારને
જોડે છે અને તેમને સત્તાને સેવા, સાધના માનીને કામ કર્યું છે,
સમ્રાટ સંપ્રતિએ આહિંસાનો વિસ્તાર કર્યો હતો. પીએમ મોદીએ ભારતના ધર્મોના
ગૌરવશાળી દર્શન વિશે પણ વાત કરતા પરમ પૂજ્ય
આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમની પ્રેરણાથી
સ્થપાયેલું આ તીર્થ હવે જૈન દર્શનનું વૈશ્વિક કેન્દ્ર બની રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન મહાવીર
સ્વામીના જન્મદિન નિમિત્તે તેમના ચરણોમાં વંદન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર સરકારે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટાઈઝેશન
અને સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે. નાયબ
મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભારતની સાંસ્કૃતિક
ચેતનાને ઉજાગર કરતી આ એક મહાન ઘટના છે. આ અવસરે
રાષ્ટ્ર સંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજીએ કહ્યુ કે, દેશનું
સૌભાગ્ય છે કે નરેન્દ્ર મોદી જેવા ચારિત્ર્યવાન, નિષ્ઠાવાન,
લક્ષ્યને સાથે રાખીને ચાલનાર વડાપ્રધાન મળ્યા છે. વડાપ્રધાનમાં સાધુ
અને ગૃહસ્થીના ગુણોનો સમન્વય જોવા મળે છે.