નિરોણા, તા. 31 : હાલમાં જ સમગ્ર કચ્છમાં થયેલા
તોફાની પવન સાથે કમોસમી વરસાદે રવી મોસમના પાકને ભારે જફા પહોંચાડી છે. પાવરપટ્ટી વિસ્તારમાં
વિક્રમી એરંડાના વાવેતર બાદ લણણી, તો ઘઉં
અને ઇસબગુલના પાકની કાપણી સમયે આ કુદરતી કમોસમી પ્રકોપે મોટી આર્થિક નુકસાનીમાં ધકેલી
દેતાં સરકાર તરફથી વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર આપવા માટેની માંગ પ્રબળ બની છે.
ગત ચોમાસા દરમ્યાન સારા વરસાદને પગલે વિસ્તારના જીવાદોરી સમાન કાયલા, નિરોણા ડેમ છલકાઇ ગયેલા, જ્યારે રુદ્રમાતા અને ભૂખી ડેમમાં
પાલર પાણીનો મોટો જથ્થો એકત્ર થતાં મોટાભાગના સીમાડામાં ખેડૂતો એરંડાના પાકનું વિક્રમરૂપ
વાવેતર કર્યું હતું. ગત રવી સિઝનમાં સિંચાઇ યોજના શરૂ થતાં ખારડિયા અને બિબ્બરના કેટલાક
ખેડૂતો એરંડા ઉપરાંત ઇસબગુલ જ્યારે ઝુરા, જતવાંઢ, લોરિયા અને સુમરાસર-શેખના કેટલાક કિસાનોએ ઘઉંનું પણ વાવેતર કર્યું હતું. નિરોણા
સહિતના સીમાડામાં એરંડાના પાકની કાપણી થયા પછી એ પાક ખળામાં એકત્ર કરી એરંડા કાઢવાની
ક્યાંક તૈયારી હતી તો ક્યાંક ચાલુ હતી ત્યાં જ વેગીલા વાયરા સાથે કમોસમી વરસાદ પડતાં
એરંડાનો પાક પલળી ગયો હતો. તો ઊભેલા પાક પર પણ એરંડાની માળ કાળી પડી ગઇ હતી. અગ્રણી
કિસાન જશાભાઇ આહીરના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારમાં જમીન પર પડેલા એરંડાના તૈયાર પાકમાંથી
બિયાં છૂટાં પડી ગયા હતા તે વરસાદના પાણીમાં પલળી ઊગી નીકળતાં નુકસાનીનો સામનો કરવો
પડયો છે. ખારડિયા અને બિબ્બરના સીમાડામાં અમુક ખેડૂતોએ ઇસબગુલનું પણ વાવેતર કર્યું
છે, એ પાક પણ સૂકાઇ કાપણીની તૈયારીમાં હતો ત્યાં જ વરસાદ વેરી
બનતાં ઇસબગુલ પલળી તેના ઝીણાં દાણા જમીન પર પલળી ચીકણા બની જતાં નકામો બન્યો હોવાનું
બિબ્બરના ગજુભા જાડેજાએ જણાવ્યું હતું. ઝુરા, જતવાંઢ,
લોરિયા, સુમરાસર-શેખના સીમાડામાં રુદ્રમાતા અને
કાયલા સિંચાઇ યોજનાની સવલતને એરંડા સાથે ઘઉંના પાકનું પણ સારું વાવેતર થયું હતું. ઘઉંનો
પાક પલળી જતાં ખેડૂતોના મોઢાં સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયાનું સુમરાસર-શેખના સરપંચ રણછોડભાઈ આહીરે જણાવ્યું હતું.
ઘઉંના કાપેલા પાક પર પાલર પાણી પડતાં ઘઉંનો દાણો રતાશ છોડી કાળો બની જતાં તેની બજાર
કિંમત પર માઠી અસર પહોંચી છે. રાજ્ય સરકારે આ વિસ્તારની ખેતીવાડીમાં થયેલા વ્યાપક નુકસાની
અંગે વહેલામાં વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ પ્રબળ બની છે. ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.