• મંગળવાર, 31 માર્ચ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જીલ્લા ભાજપ દ્વારા પ્રવાસ શરૂ

ભુજ, તા. 30: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ગમે ત્યારે વાગી શકે છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે જીલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ હોદ્દેદારો દ્વારા જીલ્લા પંચાયત બેઠકો પર પ્રવાસ શરૂ કરી દેવાયા છે. આ પ્રવાસની શરૂઆત અબડાસા અને લખપત તાલુકાની કુલ પાંચ જિલ્લા પંચાયત બેઠકોથી કરવામાં આવી હતી. જેમાં શ્રી વરચંદ સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, જિલ્લાના મહામંત્રીઓ હિતેષભાઇ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ ધારાસભ્ય તેમજ અબડાસા તાલુકાના સહ પ્રભારી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ પલણ, પરેશભાઇ ભાનુશાલી, નયનાબેન પટેલ સહિત જીલ્લા પંચાયત બેઠકોના ઇન્ચાર્જે, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, અબડાસા અને લખપત તાલુકા મંડળના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અબડાસા કોંગ્રેસ ઉપપ્રમુખ મામદ જુમા સંગાર, કોંગ્રેસ મંત્રી હાજીઅબ્દુલ  હાજીહુસૈન સંગાર, રાપર ગઢવાળીના સરપંચ કાદર ઉમર દરાદ સહિત જખૌના કોંગ્રેસી આગેવાન હાજી જુમા વાઘેર, બેરાના સરપંચ અલાના સંગાર અને ઉપસરપંચ જાફરભાઈ સુમરા ઉપરાંત ત્રણસો જેટલા કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત લખપત તાલુકામાં બેખડા, ચામરા, ચકરાઈ, સનધ્રોવાંઢ, રાવરેશ્વર, સામજીયારો, જુલરાઈ, ફુલરા વગેરે જેટલાં 16 ગામોમાંથી કોંગ્રેસના 200 જેટલા આગેવાનો સાથે અંદાજીત 500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતાં.

Panchang

dd