• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ઝારા ડુંગર - લખપત કિલ્લાને પ્રવાસનધામ તરીકે વિકસાવાશે

માતાનામઢ, તા. 10  : કચ્છના કુરુક્ષેત્ર ગણાતા ઝારા ડુંગર તથા લખપત કિસ્લાના વિકાસ માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂા. 20 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. આ ગ્રાન્ટમાંથી હાથ ધરાનાર કામો  સંદર્ભે ટૂરિઝમ વિભાગના ઓએસડી એમ. એમ. સોલંકી, જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, દયાપર મામલતદાર શ્રી મારૂ સહિતના અધિકારી-પદઅધિકારીઓએ ઝારા ડુંગર, લખપત કિલ્લા અને ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. બન્ને સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરાયો હતો. આ મુલાકાત સાથે ધારાસભ્ય શ્રી જાડેજાએ ઝારા ડુંગર પર સ્થાનકની મુલાકાતે પ્રવાસીઓ કઈ રીતે આવે  તે દિશામાં ચર્ચા કરી હતી. લખપત ખાતે ગુરુદ્વારા પર માથું ટેકવી આખા કિલ્લાનું ભ્રમણ કરી ખૂટતા વિકાસકાર્યો થાય, આ ઐતિહાસિક ધરોહરનું રક્ષણ થાય, ત્યાં આવેલા કસ્ટમ હાઉસની જાળવણી થાય તે દિશામાં પ્રવાસન વિભાગ કાર્યો કરે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. ઉપરોક્ત સ્થાનકોના પ્રવાસ બાદ અધિકારીઓ માતાના મઢે મા આશાપુરાજીનાં દર્શન કર્યાં હતાં. મઢ જાગીરના મેનેજર મયૂરસિંહ જાડેજાએ અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ધારાસભ્ય શ્રી જાડેજાએ વિકાસશીલ માતાના મઢથી રવાપર તરફનો હીદરો માર્ગ ફેરલેન બને તથા મઢના મુખ્ય ગેટની આજુબાજુ તથા સામેની ખાનગી માલિકીના પ્લોટનું સંપાદનકાર્ય જલ્દી પૂર્ણ થાય તે માટે કલેકટરને રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું.  વર્ષ 2023માં તાલુકા વિકાસ અધિકારીએ યાત્રાધામ પ્રવાસન બોર્ડના વિકાસકાર્યો સંદર્ભે જે પ્લોટ સંપાદન માટેની પ્રક્રિયા હાથ ધરી હતી, તે પૈકીનો એક 200 ચો.વાર જે મુખ્ય ગેટ સામે આવેલ છે તે પ્રાંત અધિકારીએ સંપાદનમાં લીધો હતો. આ ખાનગી માલિકીની જમીન ઉપર તાલુકા પંચાયત લખપત દ્વારા બાંધકામની મંજૂરી અપાઈ છે તે નિયમ વિરુદ્ધની મંજૂરી છે. તે બાંધકામની મંજૂરી કેવી રીતે અપાઈ તેવો પ્રશ્ન શ્રી જાડેજાએ કર્યો હતો. યાત્રાધામ બોર્ડ તથા વહીવટી તંત્ર મઢમાં વિકાસકાર્યો અર્થે આવતાં પ્લોટ જમીનની પ્રક્રિયા પૂર્ણ કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન અધિકારીઓની સાથે તાલુકા ભાજપ પ્રમુખ ગણપત મારાજ, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, એ.ટી.વી.ટી.ના સભ્ય હઠુભા સોઢા, લાલુભા સોઢા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. 

Panchang

dd