કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 10 : તાલુકાનું હૃદય ગણાતાં નલિયામાં
આજે એક અજીબ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા બે કરોડના ખર્ચે
સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આલીશાન નવું બિલ્ડિંગ બનાવવા માટે જૂના માળખાંને તોડી પાડવાની
કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી
તરફ દાયકાઓથી અહીં તબીબોની ખાલી પડેલી જગ્યાઓ સરકારી તંત્રની ઉદાસીનતાની ચાડી ખાઈ રહી
છે. લોકોમાં નવું બિલ્ડિંગ બનવાની ખુશી તો છે, પણ લોકમુખે એક
જ સવાલ ચર્ચાઈ રહ્યો છે : `સાહેબ, પથ્થરો
તો નવા ચણાશે, પણ શું અમારા દર્દીઓના જીવ બચાવવા કાયમી તબીબો
આવશે?' - 100 કિલોમીટરનું અંતર અને મોતનો સિલસિલો : અબડાસાના 164 ગામડાં માટે આ હોસ્પિટલ એકમાત્ર
આશાનું કિરણ છે. રોજની 150થી 200ની ઓપીડી ધરાવતી આ હોસ્પિટલ
છેલ્લાં ત્રણ વર્ષથી માત્ર `ઇન્ચાર્જ' તબીબોના ભરોસે ચાલી રહી છે. ક્યારેક ઇમરજન્સી
આવે, ત્યારે ડોક્ટરના અભાવે દર્દીને 100 કિલોમીટર દૂર ભુજ રિફર કરવો
પડે છે. સમય અને નાણાંનો વ્યય તો થાય જ છે, પણ કિંમતી જિંદગીઓ બચાવવામાં આ સિસ્ટમ વારંવાર નિષ્ફળ નીવડી રહી છે. - વેપારી મંડળનો હુંકાર : `સાધનો અને નિષ્ણાતો આપો' : નલિયા વેપારી
એસોસીએશનના પ્રમુખ હકુમતાસિંહ જાડેજાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, `ધારાસભ્યની
મહેનતથી નવું બિલ્ડિંગ મળે છે તે અભિનંદનને પાત્ર છે, પણ હોસ્પિટલ માત્ર ઇમારત નથી હોતી. અમને ઓર્થોપેડિક,
ગાયનેક અને એમ.ડી. ફિઝિશિયન જેવા નિષ્ણાત તબીબોની તાતી જરૂર છે. હાર્ટએટેક
કે ગંભીર અકસ્માતના સમયે 108માં ભુજ જતી
વખતે નલિયા-ભુજ વચ્ચે જ દર્દીઓનાં મોત થાય છે. નલિયામાં તાત્કાલિક ધોરણે આઈસીયુ, વેન્ટિલેટર અને અદ્યતન એમ્બ્યુલન્સની સુવિધા
આપવી જોઈએ, જેથી `ગોલ્ડન અવર'માં જીવ બચાવી શકાય. - બાર એસોસીએશનની ટકોર : `ઇન્ચાર્જ પ્રથા બંધ કરી કાયમી
નિમણૂક કરો' : બાર એસોસીએશનના પ્રમુખ લાલજીભાઈ કટુઆએ કહ્યું કે, વર્ષોથી અહીં કાયમી ડોક્ટર નથી. પીએચસીમાંથી ડોક્ટરોને અહીં ખેંચી લાવવામાં
આવે છે, જેનાથી તે ગ્રામ્ય વિસ્તારોની સેવા પણ ખોરવાય છે. જો
આ નવી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરો જ નહીં હોય, તો તેને `સંજીવની'
કેવી રીતે કહી શકાય? અહીં સૌથી પહેલા સ્ટાફનું
મહેકમ પૂર્ણ કરવું જરૂરી છે.' - પાંચ વર્ષમાં 20 ડોક્ટર આવ્યા અને ગયા : હોસ્પિટલના સૂત્રોની મળતી માહિતી અનુસાર 2020થી 2025 દરમિયાન 20 જેટલા ડોક્ટર નલિયા આવ્યા, પણ કોઈ ટક્યું નહીં. તેનું કારણ છે કામનું અતિશય
ભારણ. 5ાંચ ડોક્ટરનું કામ જ્યારે એક જ ડોક્ટરે
કરવાનું આવે, ત્યારે તેને 24 કલાક ઓન-ડયુટી રહેવું પડે છે.
દિવસભરની ઓપીડી, પોસ્ટમોર્ટમ, અકસ્માત અને પોલીસ કેસોનાં કામ પછી રાત્રે આરામનો સમય મળતો નથી. આ કંટાળાજનક
સ્થિતિને કારણે તબીબો કાં તો બદલી કરાવી લે છે અથવા રાજીનામાં આપી દે છે. બોન્ડેડ ડોક્ટરો
પણ બોન્ડની રકમ ભરીને ભાગી છૂટે છે. - અબડાસા ખાલી થઈ રહ્યું છે !.... : જો સરકાર આ વખતે પણ માત્ર `આલીશાન બિલ્ડિંગ' બનાવીને સંતોષ માની લેશે, તો અબડાસાની જનતા માટે આ ભવન
માત્ર એક સફેદ હાથી બનીને રહી જશે. લોકોની માંગ છે કે ઇમારત તૈયાર થાય તેની સાથે જ
પાંચે-પાંચ ડોક્ટરની કાયમી નિમણૂકનો ઓર્ડર પણ છૂટે!