• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ-આદિપુર વચ્ચે દોડી 120 કિ.મી.ની ઝડપે ટ્રેન

ગાંધીધામ, તા. 10 : કંડલા અને મુંદરા બંદરથી  માલ પરિવહનનું  દબાણ ઘટાડવા માટે રેલવે દ્વારા ગાંધીધામ-આદિપુર વચ્ચે ત્રીજી અને ચોથી લાઈનનું કામ પૂર્ણ થયા બાદ  આજે પશ્ચિમ રેલવેના સુરક્ષા કમિશનર દ્વારા  120 કિલોમીટરની પૂરપાટ ઝડપે ટ્રેન દોડાવવામાં આવી હતી. ટ્રેકની ટ્રાયલ સ્પીડ સફળ રહી હતી.  આઝાદી  બાદ અસ્તિત્વમાં આવેલાં ગાંધીધામ શહેરને તેના 78મા સ્થાપના દિવસના બે  દિવસ પહેલાં જ રેલવે દ્વારા માળખાકીય સુવિધાની  ઐતિહાસિક ભેટ આપવામાં આવી છે. મહાવીર ચક્ર કેપ્ટન કપિલસિંહ થાપા એઁન્જિન સાથે નવા ટ્રેકનું પરીક્ષણ કરાયું હતું. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  આજે સવારે રેલવે સેફ્ટી કમિશનર ઈ. શ્રીનિવાસ દ્વારા  સુરક્ષા નિરીક્ષણ કરાયું હતું. આ વેળાએ ડી.આર.એમ. વેદ પ્રકાશ, એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયા તેમજ અમદાવાદ ડિવિઝનના રેલવેના અધિકારીઓ પશ્ચિમ રેલવેના અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.  નવી ત્રીજી અને ચોથી રેલવે લાઈન અને આદિપુર સ્ટેશન પર વાય  કનેક્ટિવિટીનું કામ પૂર્ણ થવાથી હાલમાં જ્યાં આ વિસ્તારમાંથી 50થી 60 માલગાડીનું સંચાલન આ ક્ષેત્રથી થઇ રહ્યું છે જે વધીને 150 સુધી થઈ જશે અને  ટ્રેનો 120 કિમી પ્રતિ કલાકની (મહત્તમ) ઝડપે ચલાવી શકાશે. આદિપુર-ગાંધીધામ  બ્રોડગેજ સેક્શન કંડલા તથા મુંદરા બંદરગાહો સહિત ભુજ, વાયોર અને અન્ય વિસ્તારોને દેશના વિવિધ ભાગો સાથે જોડતો એક અત્યંત મહત્ત્વનો માલ પરિવહન માર્ગ છે. હાલમાં આ સેક્શન ખૂબ જ વ્યસ્ત રહેતા સંચાલન પર દબાણ રહે છે, જેને ઘટાડવા માટે બે વધારાની લાઈનોની જરૂર હતી. આ માર્ગ પરથી મીઠું તથા અન્ય માલનું પણ મોટા પાયે પરિવહન થાય છે અને મુંદરા બંદરગાહની વધતી ક્ષમતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની શક્યતા છે. આ પ્રોજેક્ટથી કંડલા અને મુંદરા બંદરગાહો સાથે જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, અનાજ અને અન્ય માલના પરિવહનમાં ઝડપ આવશે. માલગાડીઓનું ટર્ન અરાઉન્ડ સમય ઓછો થશે, વેગનો વધુ સાર્થક ઉપયોગ શક્ય બનશે અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો આવશે, જેના પરિણામે ઉદ્યોગો અને વેપારને સીધો લાભ મળશે. સાથે જ આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં, વેપાર, પર્યટન અને રોજગારીના અવસરો વધારવામાં અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.  ગોપાલપુરી નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદની તરફથી આવતી ગાડીઓને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલ કરવાની જરૂર નહીં રહે, જેના કારણે લગભગ 20-25 મિનિટનો સમય બચી શકશે. આદિપુર સ્ટેશન પર વાય કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાને કારણે ટ્રેનોને દિશા બદલવાની જરૂર પડશે નહીં, જેના કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે અને સંચાલન સરળ બનશે. આ બે પ્રકલ્પ  ક્ષેત્રીય વિકાસ  અને મજબૂત રેલવે  ઈન્ફ્રાસ્ટ્રક્ચર  તરફની એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે  અને કચ્છના સમાજિક અને આર્થિક  વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આ પ્રોજેક્ટ આપશે. 

Panchang

dd