ભુજ, તા. 10 : શિયાળાની સત્તાવાર વિદાય અને ઉનાળાનાં આગમનના પગરવ વચ્ચે કચ્છમાં
અનુભવાતાં મિશ્ર હવામાન વચ્ચે સવારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું
આવરણ છવાયું હતું. વ્યાપક પ્રમાણમાં ઝાકળવર્ષાના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને
મોડેક સુધી વાહનની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ
પડી હતી. જિલ્લા મથક ભુજ ઉપરાંત માકપટ વિસ્તાર, નલિયા સહિત પશ્ચિમ કચ્છ ઉપરાંત વાગડના કેટલાક
વિસ્તારમાં ઝાકળવર્ષાએ ભીનો માહોલ સર્જવા સાથે ગાઢ ધુમ્મસે જાણે કે શ્વેત ચાદર ઓઢી
હોય તેવો માહોલ સર્જ્યો હતો. ધુમ્મસના માહોલ વચ્ચે વહેલી સવારે ગુલાબી ઠંડીની ચમક લોકોએ
અનુભવી, પણ જેમ જેમ દિવસ પસાર થાય તેમ ગરમીનો અનુભવ લોકોએ કર્યો
હતો. ધુમ્મસ અને ઝાકળના લીધે વૃક્ષો પાણીથી નિતરતાં હોય તેવો નજારો અનેક વિસ્તારમાં
જોવા મળ્યો હતો. ભુજમાં 16.3, કંડલા પોર્ટમાં
16, નલિયામાં 14.8 અને અંજાર-ગાંધીધામમાં 14 ડિગ્રી લઘુતમ સામે મહત્તમ પારો
30 ડિગ્રીથી ઉપર રહેતાં વાતાવરણમાં
વિષમતા જોવા મળી હતી. હવામાન વિભાગના મતે પશ્ચિમી
વિક્ષોભ અને સાયક્લોનિક સર્કયુલેશનના કારણે ધુમ્મસની અસર જોવા મળી છે. હજુ આ માસના
અંત સુધી વિષમ વાતાવરણ જારી રહેશ તેવું પણ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. દયાપરના અહેવાલ
અનુસાર સરહદી લખપત તાલુકામાં પોણા બે માસ પછી મહત્તમ પારો 30 ડિગ્રીથી ઉપર નોંધાતા ઉનાળાનાં
આગમનના પડઘમ વાગ્યા હતા.