માતાના મઢ, તા. 29 : લખપત તાલુકાના કોટડા મઢ, ભાડરા, આશાપર,
કંઢોરા, મુરચબાણા, માતાના
મઢ, ભેખડો, ચકરો, ચામરો સહિતના અનેક ગામોમાં પાણી પુરવઠા બોર્ડની વિતરણ વ્યવસ્થા ખોરવાતાં તમામ
ગામોના સરપંચો સહિતના આગેવાનોએ બોર્ડની દયાપર સ્થિત કચેરીના તાળાબંધી કરી રોષ વ્યક્ત
કર્યો હતો. મા.મઢના સરપંચ કાસમભાઇ કુંભાર, કોટડા મઢના સરપંચ ઇબ્રાહિમભાઇ
ખલીફા, તા. કોંગ્રેસના પ્રમુખ ઇબ્રાહિમ-ભાઇ કુંભાર, હુશેન રાયમા, પંકજભાઇ ભાનુશાલી, આધમભાઇ રાયમા, કાસમભાઇ પડેયાર સહિતના અગ્રણીઓ દયાપર પાણી
પુરવઠાની કચેરીને ઘેરાવ કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે, લખપત
તાલુકામાં અવાર-નવાર પીવાના પાણીની તંગી સર્જાય છે. અહીં વસતા લોકો તથા પશુધન ભર શિયાળે
પાણી માટે વલખા મારી રહ્યા છે. આવી તકલાદી વિતરણ કાર્યને સુધારવામાં નહીં આવે તો નાછૂટકે
કચેરી સામે ધરણા પ્રદર્શન કરવા પડશે. લખપત તાલુકામાં પીવાના પાણી વિતરણ અવાર-નવાર શા
માટે ખોરવાય છે તેવા પ્રશ્નના જવાબમાં એસ.ઓ. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે,
છેલ્લા એક મહિનાથી જી.ડબલ્યુ.આઇ.એલ. દ્વારા નર્મદાનું પાણી રોજનું અંદાજે
પાંચ એમ.એલ.ડી. ઓછું લખપતને મળી રહ્યું છે, જેથી આ પરિસ્થિતિ
ઊભી થઇ છે. દયાપર કચેરી દ્વારા જીડબલ્યુઆઇએલને પત્ર લખી ખીરસરા હેડ વર્કસ ખાતે પૂરતો
પાણીનો જથ્થો આપવાનું જણાવાયું છે. લખપત તાલુકાની રોજની ખપત 18 એમ.એલ.ડી. પાણીની છે તેની સામે
13 એમ.એલ.ડી. પાણી આવે છે તેવું
શ્રી ચૌધરીએ જણાવ્યું હતું. કચેરી દ્વારા પથમાં જણાવ્યું હતું કે 99,308 માનવ વસ્તી તથા 1,72,136 જેટલું પશુધન લખપત તાલુકામાં
છે. બોર્ડ હસ્તકના હેડ વર્કસ, કૂવા,
ટયૂબવેલથી પીવાનું પાણર પૂરું પડતું નથી. લખપત તાલુકામાં 500 કિલોમીટરથી 650 કિલોમીટર જેટલી અલગ-અલગ વ્યાસની
પાઇપલાઇન પથરાયેલી છે. જે પાઇપલાઇનનું નેટવર્ક લાંબુ હોવાથી તે લાઇનોને ભરવા માટે વિશેષ
પાણીની જરૂરિયાત રહે છે. રોજનું ખીરસરા સંપથી 18 એમ.એલ.ડી. પાણી લખપતને મળે તો જ પૂરતું અને નિયમિત પાણી પુરવઠા
વિતરણ થઇ શકે તેમ છે તેવું જણાવ્યું હતું. પ્રશ્નો અને વિગતવાર દયાપર કચેરી દ્વારા
પાઠવવામાં આવ્યો છે છતાં સ્થિતિ સુધરતી નથી ત્યારે લખપત તાલુકાને નર્મદાનું પૂરતું
પાણી નથી મળતું તો આ વિતરણ કાર્ય સુધરશે કેમ ? સ્થાનિક કચેરીએ તાળાબંધી કરવા કરતાં નર્મદાનું પાણી 18 એમ.એલ.ડી. મળે તે માટે યોગ્ય
લડત ચલાવશું તેવું આગેવાનોએ જણાવ્યું હતું.