ભુજ, તા. 29 : ગુજરાતભરમાં આજે રિલીઝ થનારી
ફિલ્મ ચૌરંગી વિશે ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ફિલ્મના કચ્છી અભિનેતા નીલ ભટ્ટે
વિવિધ માહિતી આપી હતી અને ગુજરાતી ફિલ્મોના ઉજળાં ભવિષ્યની વાત કરી હતી. ભુજમાં રિજન્ટા
હોટેલમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમા માહિતી
આપતાં નીલ ભટ્ટે કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કેટલાક વર્ષોથી નવા વિષયો સાથે રજૂ થઇ રહી છે. વર્ષની
શરૂઆતમાં જ રજૂ થનારી ફિલ્મ ચૌરંગી એક સંવેદનશીલ ફિલ્મ છે. આ ફિલ્મ જિંદગીના ચાર રંગ
પરથી બનાવાઇ છે. લાગણીના અલગ અલગ તબક્કા દર્શાવાયા છે અને ચાર રિલેશનશિપની વાત કરાઇ
છે. ફિલ્મનું જબરિયા પ્રેમ અત્યારે સોશિયલ
મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય ગીત પણ
છે જે ફિલ્મમાં જ જોવા મળશે. નીલ ભટ્ટે કહ્યું કે, ફિલ્મના ટીઝરને
સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં જ્યાં-જ્યાં પ્રમોશન માટે ગયા છીએ ત્યાં યુવાપેઢીએ ભરપૂર આવકાર આપ્યો છે. તેમણે ગુજરાતી ફિલ્મોની સફળતા
વિશે વાત કરતાં સ્પષ્ટ કહ્યું હતું કે, કલાકારોએ દર્શકો સાથે
સંપર્ક વધારવો પડશે. લોકોની વચ્ચે જવું પડશે તો લોકો ફિલ્મો જોવા વધુ પ્રેરાશે. ભુજમાં
જન્મેલા અને પછી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રામા સાથે માસ્ટર ડિગ્રી મેળવેલા
નીલ ભટ્ટ ઘણી ફિલ્મોમાં ટેકનિકલ, દિગ્દર્શન અને પ્રોડકશન સાથે સંકળાયેલા છે. તેમનું એક નાટક માનવીની ભવાઇ ભારત
રંગ મહોત્સવમાં ગુજરાતના પ્રતિનિધિ નાટક તરીકે પસંદગી પામ્યું હતું. ફિલ્મમાં તેમની
સાથે દિગ્ગજ અભિનેતા સંજય ગોરડિયા, સોનાલી લેલે દેસાઇ,
દીક્ષા જોશી, સોહની ભટ્ટ વિગેરે કલાકારોએ ભૂમિકા
ભજવી છે. દીપક પરમાર અને વિનોદ પરમારે ફિલ્મનું નિર્માણ કર્યું છે, તો દિગ્દર્શન પણ વિનોદ પરમારે સંભાળ્યું છે. ઉલ્લેખનીય છે કે, નીલ ભટ્ટના પિતા શરદ ભટ્ટ સંગીત ક્ષેત્રે જાણીતું નામ છે અને નવરાત્રિમાં ગરબી મંડપ ગજાવી ચૂક્યા છે.