• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

યુજીસીના નવા નિયમો પર સુપ્રીમની રોક

નવી દિલ્હી, તા. 29 : દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે  એક મોટા ફેંસલામાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના નવા નિયમો પર નવા આદેશ સુધી રોક મૂકી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ જારી કરીને જવાબ માગ્યો હતો. આપણે `જાતિમુક્ત' સમાજની દિશામાં આગળ વધી રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએ તેવો સવાલ મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કર્યો હતો. સાથોસાથ અદાલતે દેશભરમાંથી નિયમો સામે ઉગ્ર બનેલા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારને નવેસરથી નિયમોનો મુસદ્દો તૈયાર કરી લાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. જાતિગત ભેદભાવ પર સુપ્રીમે નારાજગી દર્શાવી હતી.  કોર્ટે કહ્યું હતું કે, આ મામલામાં હવે 19મી  માર્ચના સુનાવણી થશે. હાલ તુરત 2012ના જ યુજીસીના નિયમો દેશભરમાં લાગુ રહેશે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીડે કહ્યું હતું કે, જોગવાઈઓ સ્પષ્ટ નહીં હોવાથી આ નવા નિયમોનો ખોટો ઉપયોગ થઈ શકે છે.  અલગ-અલગ જાતિઓ માટે હોસ્ટેલ પણ અલગ હોવી જોઈએતેવો પ્રસ્તાવ મુકાતાં ગુસ્સે ભરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, આ કેવી વાતો થઈ રહી છે.  ભગવાન માટે આવું ન કરો. યાદ કરો કે, આપણે સૌ હોસ્ટેલમાં સાથે જ રહેતા હતા અને હવે તો આંતરજ્ઞાતીય લગ્નો પણ થવા લાગ્યાં છે, તેવું તેમણે જણાવ્યું હતું.  મુખ્ય ન્યાયમૂર્તિએ નારાજગીભેર કહ્યું હતું કે, 75 વર્ષમાં આપણે વર્ગહીન સમાજ બનાવવાની દિશામાં જે કંઈ પણ મેળવ્યું છે, તે જોતાં અત્યારે શું આપણે જાતિરહિત સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએયુજીસીના નવા નિયમોથી દેશભરમાં વિરોધ  વિવાદનો વંટોળ સર્જાયો હતો. ખાસ કરીને સવર્ણ સમાજના લોકોએ વિરોધ  નોંધાવ્યો હતો.  સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, જો અમે દખલ નહીં કરીએ તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. સમાજમાં ભાગલાની સ્થિતિ પેદા થઈ શકે છે. અરજીમાં સવાલ કરાયો હતો કે, સવર્ણોને સુનાવણીનો અધિકાર કેમ નથી અપાયો. એસસી, એસટી, ઓબીસીને ફરિયાદનો અધિકાર અપાયો છે, પરંતુ સવર્ણોને નહીં, તેનો અર્થ એ છે કે, સવર્ણોને પહેલાંથી અપરાધી માની લેવાયા છે.  સીજેઆઈએ સવાલ કર્યો હતો કે, માની લેવામાં આવે કે અનુસૂચિત જાતિ (એસસી)ના એ સમૂહથી સંબંધિત કોઈ છાત્રએ ગ્રુપ બીના અન્ય સમુદાયના છાત્ર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, તો તેનો શું ઉપાય છે ? કોર્ટે પરિસરોમાં છાત્રોને જાતિના આધારે વહેંચવાની પ્રવૃત્તિને ખતરનાક ગણાવી હતી. સીજેઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અલગ-અલગ હોસ્ટેલ બનાવવાની વાત થાય છે. આવું થવું જોઈએ નહીં. જાતિવિહીન સમાજની દિશામાં જે કંઈ મેળવ્યું છે તેનાથી હવે પાછળની તરફ જઈ રહ્યા છીએ ? એક અરજકર્તાના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, જો તેઓ સામાન્ય શ્રેણીના છે. એક સીનિયર તેનું રેગિંગ કરે અને તે સિનિયર અનુસૂચિત જાતિનો છે તો સામાન્ય શ્રેણીના છાત્રને કાર્યવાહીનો સામનો કરવો પડશે. જેના ઉપર કોર્ટે સવાલ કર્યો હતો કે, તો શું રેગિંગની ફરિયાદ ઉપર વિચાર થશે નહીં ? વકીલે કહ્યું હતું કે, રેગિંગ ઉપર વિચાર થશે નહીં અને આગોતરા જામીન માટે પણ વિકલ્પ નથી. કારણ કે સરકારે સંશોધન કર્યા છે. આ રીતે સામાન્ય શ્રેણીના છાત્રની કારકિર્દી ખતમ થઈ જશે.  

Panchang

dd