77મા ગણતંત્ર દિવસની ઉજવણીએ દેશભરમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જોવા
મળ્યો. આજનું ભારત આત્મવિશ્વસ્થ છે, સ્વાભિમાની છે, કોઇથી ડરતું નથી અને પડકારોને ભરી પીવામાં
માને છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના બે વિશેષ મહેમાન હતા, યુરોપીય
પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપીય સંઘના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન.
આ બંનેની ઉપસ્થિતિનું મહત્ત્વ 27મીએ સમજાઇ ગયું, જ્યારે ભારત અને યુરોપીય સંઘ વચ્ચે વિધિવત મુક્ત વેપાર સંધિ થઇ. પ્રજાસત્તાક
દિવસની ઉજવણી ગૌરવ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ચેતના સાથે કરવામાં
આવી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત ગણતંત્ર દિવસની પરેડ માત્ર ઔપચારિક
સૈન્ય આયોજન જ નહીં, બલ્કે ભારતના વિકાસલક્ષી વિઝન, સામર્થ્ય, વૈવિધ્યસભર સાંસ્કૃતિક ઐક્ય, નારીશક્તિનું મહિમાગાન બની રહ્યું. આપણા સશત્ર દળોની વેધકતા અને ઘાતક શત્ર
પ્રણાલી જોઇને શત્રુઓનાં હૈયાં બેસી જાય એ સ્વાભાવિક છે. ભારતની મિસાઇલ પ્રણાલી એસ-400ની ઘાતકતા અને સચોટ પ્રહાર
ક્ષમતાનો પરચો ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાન સહન કરી ચૂક્યું છે. આ વખતની પરેડમાં
કેટલીક નવી બાબતો જોવા મળી. મહિલા નેતૃત્વએ ઇતિહાસ રચ્યો, પ્રથમ જ વખત સીઆરપીએફની પુરુષ ટુકડીનું નેતૃત્વ
મહિલા કમાન્ડન્ટ દ્વારા કરવામાં આવ્યું. આ કોઇ પ્રતિકાત્મક ચેષ્ટા નહોતી બલ્કે દુનિયાને
સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, ભારતની સુરક્ષા વ્યવસ્થામાં
મહિલાઓ હવે નિર્ણાયક અને નેતૃત્વકારી ભૂમિકામાં આગળ વધી રહી છે. સૈન્ય અને અર્ધલશ્કરી
દળોમાં મહિલાઓ મોટાં પ્રમાણમાં ભરતી થઇ રહી છે. ઉચ્ચ પદો પણ સંભાળે છે. ભારત એક એવું
પ્રગતિશીલ રાષ્ટ્ર છે પુરુષ-ત્રી સમાનતામાં માને છે. વળી આ બાબત આપણા એક સમયના રૂઢિચુસ્ત
માહોલ અને માનસિકતામાં આવેલાં પરિવર્તનનુંય પ્રમાણ છે. `ઓપરેશન સિંદૂર'નું લાઇવ પ્રદર્શન ઉપરાંત આકાશ અને બ્રહ્મોસ
મિસાઇલ સિસ્ટમ, સૂર્યાસ્ત રોકેટ લોન્ચર, અર્જુન યુદ્ધ ટેન્ક તેમજ સ્વદેશી સૈન્ય પ્લેટફોર્મની શ્રેણીએ આત્મનિર્ભર ભારતનો
સંકલ્પ વધુ દૃઢ કર્યો છે. રાફેલ, સુખોઇ, મિગ-29 અને જગુઆર
સહિત યુદ્ધવિમાનોએ સિંદૂર, વજ્રાંગ,
અર્જુન અને પ્રહાર જેવી સંરચના દ્વારા આકાશમાં ભારતની સંરક્ષણ ક્ષમતાનું
ભવ્ય પ્રદર્શન કર્યું, એ જોનારા હજારો નાગરિકો મંત્રમુગ્ધ બની
ગયા હતા. ગણતંત્ર દિવસ પરેડમાં ભારતના જુદા-જુદા રાજ્યોના ટેબ્લોનું આકર્ષણ હોય છે.
ગુજરાતના ટેબ્લો સાથે કચ્છના કલાકારોએ સતત બીજાં વર્ષે પ્રતિનિધિત્વ કર્યું. એકંદરે
દરેક ઝાંખીનો સમાન સંદેશ છે, ભારતની બહુવિધતા અને એક ભારત,
શ્રેષ્ઠ ભારતની ભાવના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ત્રિરંગો લહેરાવવો,
રાષ્ટ્રગાન બાદ 21 તોપની સલામી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોકચક્રથી સન્માનિત
કરવા એ બધી ક્ષણો દેશની સૈન્ય વીરતા, બલિદાન અને બંધારણીય મૂલ્યો તરફનાં ગાઢ સન્માનને દર્શાવે છે. સમગ્રતયા જોઈએ
તો 77મા પ્રજાસત્તાક પર્વની પરેડ માત્ર અતીતની
સિદ્ધિઓનો ઉત્સવ જ નહીં, પરંતુ તે ભવિષ્યની
દિશાનો સ્પષ્ટ સંકેત પણ હતી. આ પરેડ એવું દર્શાવે છે કે, ભારત
એ આત્મનિર્ભર, ટેક્નોલોજીની દૃષ્ટિએ સક્ષમ, સૈન્યની રીતે સશક્ત અને વિશ્વમંચ પર આત્મવિશ્વાસથી છલકાતું રાષ્ટ્ર છે. કર્તવ્યપથ
પર પ્રદર્શિત આ શૌર્ય વાસ્તવમાં નવાં ભારતની ઓળખ છે. એક એવું ભારત કે, જે પોતાની પરંપરાઓ પર ગર્વ કરે છે, તેની સાથે જ ભવિષ્યના
પડકારોને ભરી પીવા માટે પણ સંપૂર્ણ તૈયાર છે.