નવી દિલ્હી, તા. 29 : દેશના નાણામંત્રી
નિર્મલા સીતારામને ગુરુવારે ભારતની અર્થવ્યવસ્થાનું વાર્ષિક સરવૈયું એટલે કે આર્થિક
સર્વેક્ષણ લોકસભામાં રજૂ કર્યું હતું. આ સર્વેમાં 2026-27 માટે આર્થિક વિકાસદર 6.8થી 7.2 ટકા સુધી
રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આર્થિક સર્વે અનુસાર આરબીઆઇ અને આઇએમએફના અનુમાન
છે કે, આવનારા વર્ષમાં મોંઘવારી દર ધીમે ધીમે ઘટશે.
તે ચાર ટકાના નિયત લક્ષ્યના દાયરામાં ટકી રહેશે. આર્થિક સર્વેમાં પહેલી વખત એઆઈ માટે
અલગથી પ્રકરણ રખાયું હતું, જેમાં યુવાનોમાં વધતા જતા `િડજિટલ વ્યસન' પર ચિંતા વ્યક્ત કરાઈ છે. સર્વેમાં એવી લાલબત્તી
ધરાઈ છે કે, સોશિયલ મીડિયા અને ગેમિંગથી માનસિક આરોગ્ય બગડે છે.
સાથોસાથ યુવાનોની કાર્યક્ષમતા ઘટતાં અર્થવ્યવસ્થાને પણ નુકસાન થાય છે. નોકરીના ક્ષેત્રે
સર્વે નોંધે છે કે, 2026ના નાણાંવર્ષના
પ્રથમ ત્રિમાસિક ગાળા એપ્રિલથી જૂન 2025 દરમ્યાન ભારતમાં 15 વર્ષમાં સૌથી
વધુ 56.2 કરોડ લોકો પાસે રોજગાર હતો.
કંપનીઓની જરૂરત અને યુવાનોના કૌશલ્ય વચ્ચેનું અંતર ઘટાડવું પડશે, જેના માટે શાળાઓમાં વ્યાવસાયિક તાલીમો આપવાનું
સૂચન સર્વેમાં કરાયું છે. આર્થિક સર્વેમાં ભારપૂર્વક કહેવાયું હતું કે, 2026ના નાણાંવર્ષમાં કૃષિ ક્ષેત્રનો
વિકાસદર 3.1 ટકા રહેવાની આશા છે. આર્થિક
સર્વેક્ષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 2024-25માં અનાજનું ઉત્પાદન 3320 લાખ ટનના વિક્રમી સ્તર પર પહોંચી
ગયું છે. સરકારનું ધ્યાન હવે ખેતપેદાશોનું ઉત્પાદન વધારવા પર નહીં, પરંતુ કિસાનોની આવક સુરક્ષિત કરવા સાથે શ્રેષ્ઠ
સંગ્રહની સુવિધાઓ વિકસાવવા પર પણ છે, તેવું સીતારામને કહ્યું
હતું. આર્થિક સર્વે રજૂ કરતાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સરકારી ખોટને ઘટાડવા માટેનું લક્ષ્ય નિયત સમયથી પહેલાં પાર
પાડી લીધું છે. વર્ષ 2025માં સરકારી
નુકસાન જીડીપીના 4.8 ટકા રહ્યું.
સરકારે નાણાં વર્ષ 2026 માટે 4.4 ટકાનું લક્ષ્ય રાખ્યું છે.
દુનિયાભરમાં મંદીની આહટ વચ્ચે ભારતનો વિદેશી મુદ્રાભંડાર 2023-24માં 668 અબજ ડોલર હતો, જે 2024-25માં 701 અબજ ડોલર
પર પહોંચી ગયો છે. વિશ્વભરમાં વેપારમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતની કુલ નિકાસ 2025ના નાણાં વર્ષમાં 825.3 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી
ગઇ છે, તેવું આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે. - ઇન્સેન્ટિવ સ્કીમ મારફતે બે
લાખ કરોડથી વધુનું રોકાણ : સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર 2025 સુધીમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ
સ્કીમ હેઠળ 14 ક્ષેત્રમાં બે લાખ કરોડ રૂપિયાથી
વધારેનું વાસ્તવિક રોકાણ આવ્યું છે, જેનાથી 18.7 લાખ કરોડ
રૂપિયાથી વધારેનું ઉત્પાદન કે વેચાણ થયું છે. સાથે જ 12.6 લાખથી વધારે રોજગારનું સર્જન
થયું છે. આ ઉપરાંત ભારત સેમિકંડક્ટર મિશન હેઠળ અંદાજિત 1.60 લાખ કરોડ રૂપિયાનાં રોકાણના
10 પ્રોજેક્ટથી ક્ષમતા મજબૂત થઈ
છે. - ડિસેમ્બર 2025 સુધી 21.6 કરોડ ડિમેટ એકાઉન્ટ : નાણાકીય વર્ષ 2025-26માં ડિસેમ્બર 2025 સુધીમાં 2.35 કરોડ નવા ડિમેટ એકાઉન્ટ જોડાયા
છે, જેનાથી કુલ સંખ્યા 21.6 કરોડથી વધુ થઈ છે. સપ્ટેમ્બર
2025માં યુનિક ઇન્વેસ્ટર્સની સંખ્યા
12 કરોડને પાર પહોંચી છે, જેમાં 25 ટકા મહિલાઓ છે. 16 જાન્યુઆરી, 2026 સુધીમાં વિદેશી
મુદ્રા ભંડાર 701.4 અબજ ડોલર થયો છે.