હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 29 : ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત
એવા 4 મહાનગરો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે. જે
વસતી અને વિકાસની દૃષ્ટિએ રાજ્યના મોખરાના મહાનગરો છે, પરંતુ છેલ્લા એક દાયકા દરમ્યાન ગુજરાતના સુરત
અને રાજકોટ જેવી મેટ્રો સિટીએ ખાસ્સું કાઠું કાઢ્યું છે. સામાન્ય રીતે ગુજરાત,
દેશનું ગ્રોથ એન્જિન મનાય છે, પરંતુ આગામી દસકા
દરમ્યાન જ રાજ્યના સુરત અને રાજકોટ ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે માન્યતા મેળવે તો કાંઈ
નવાઈ પામવા જેવું નહીં રહે. તાજેતરના ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ
ઈકોનોમિક્સના ડેટા મુજબ, વર્ષ 2019-35 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી
વિકસતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોની યાદીમાં
ગુજરાતના આ શહેરોએ મેદાન માર્યું છે. ખાસ કરીને સુરત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. આ રિપોર્ટ મુજબ,
શહેરોનું કદ બમણું થવાથી ઉત્પાદકતામાં 12 ટકાનો વધારો થાય છે. જેનો સીધો
લાભ ગુજરાતને મળી રહ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી
નિર્મલા સીતારમને લોકસભામાં રજૂ કરેલા આર્થિક સમીક્ષા-રિપોર્ટમાં દર્શાવેલા કોષ્ટક
મુજબ `2019-2035'ના સમયગાળા દરમ્યાન વિશ્વમાં
સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોમાં પ્રથમ નંબરે સુરત છે. જેનું કારણ એ છે કે, વિશ્વમાં સુરત એક એવું શહેર છે કે, 2019-2035ના સમયગાળા દરમ્યાન તેનો વિકાસ
વાર્ષિક 9.17 ટકા જેટલો હશે. વર્ષ 2018માં તેની વાર્ષિક આવક (જીડીપી)
28.5 બિલિયન ડોલર-રૂા. 2,61,977 કરોડ હતું. જે હવે વર્ષ 2035માં વધીને 126.8 બિલિયન ડોલર-રૂા. 11,65,480 કરોડ) થશે. એવી જ રીતે વિશ્વમાં
સૌથી વધુ ઝડપે વિકાસ કરનારા ટોપ-10 શહેરોમાં
રાજકોટ 7મા નંબરે છે, કેમ કે, તેનો વાર્ષિક
વિકાસ દર 2019-2035 દરમ્યાન
8.33 ટકા હશે.