યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને બનાવેલા અને 15 ફેબ્રુઆરીથી અમલી બનનારા નિયમોનો
વિરોધ રાષ્ટ્રવ્યાપી બન્યો છે. શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારના પ્રયોગ, તે અંગેના વિવાદ ચાલતા રહે છે, પરંતુ અહીં ચિંતાનો વિષય એ છે કે, આ નવા નિયમો વર્ગવિગ્રહને
ઉત્તેજન આપે તેવી સંભાવના ઉપસ્થિત થઈ છે. રાજકીય સમરાંગણમાં પોતાના સ્વાર્થ સાધવાની
કોશિશો પણ આ અંગે શરૂ થઈ છે. જાતિગત અત્યાચારો, ભણતર અને નોકરીમાં
અનામત સહિતના વિવાદ દાયકાઓથી સળગી રહ્યા છે, તેમાં આ નવા નિયમ
ઉમેરો કરે તે પહેલાં તેનાથી થતા વિવાદનો ઉકેલ આવી જવો જરૂરી છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય,
તેમના અધિકારોનું જતન થાય તે માટે યુજીસીએ સૂચવેલા નવા નિયમો અમલમાં
આવે તે પૂર્વે તેનો વિરોધ શરૂ થયો છે. યુજીસીનું વલણ એવું છે કે, 2020થી 2025 દરમિયાન અનુસૂચિત જાતિ-જનજાતિના
વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય કે ગુનાઓ-ફરિયાદોમાં 100 ટકા વધારો થયો છે. આ જાતિગત ભેદભાવોને રોકવા જરૂરી છે. તે માટે
`પ્રમોશન ઓફ ઈક્વિટી ઈન હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટ
રેગ્યુલેશન 2026' નિયમો બનાવાયા છે, તે અંતર્ગત યુનિવર્સિટીઓ-કોલેજોમાં ઈક્વાલિટી
કમિટી, ઈક્વાલિટી સ્ક્વોડની રચના કરવામાં આવશે. 24 કલાકની હેલ્પલાઈન શરૂ રહેશે, જેમાં પછાત વર્ગના કોઈ પણ વિદ્યાર્થી પોતાની
સાથે થયેલા અન્યાય કે અત્યાચારની ફરિયાદ કરી શકશે. આ નિયમોનું પાલન ન કરનાર સંસ્થાનની માન્યતા યુજીસી
રદ કરશે. આ નિયમોનો વિરોધ શરૂ થયો છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને વિરોધમાં સામેલ
છે અને કહી રહ્યા છે કે, આને કારણે એક વર્ગ ધારે તો ખોટી,
પાયાવિહોણી ફરિયાદ ઊભી કરી શકશે. શિક્ષક કે કર્મચારી વિરુદ્ધ પણ ભેદભાવને
ઉત્તેજન મળશે. આ નિયમોનો લાભ ફક્ત પછાત વર્ગના વિદ્યાર્થીઓને જ મળે તેવું શા માટે
? તમામ વર્ગને તેમાં ફરિયાદની તક મળવી જોઈએ. વિરોધ કરનારા વિદ્યાર્થીઓ
કહે છે કે, આનો અર્થ તો એ છે કે, ભેદભાવ
માત્ર પછાત ન હોય તે વર્ગના લોકો કરે છે. યુજીસીનો ઈરાદો ભલે પછાત વર્ગને અન્યાય ન
થાય તે માટેનો હોય, પરંતુ અહીં પરસ્પર નારાજગી તો શરૂ થઈ જ ગઈ
છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરી છે કે, કોઈને અન્યાય થવા નહીં દઈએ. ખોટી ફરિયાદો ઉપસ્થિત થવા નહીં દઈએ, પરંતુ કેટલાક કાયદાનો દુરુપયોગ વર્ષોથી થતો હોય તે પણ સર્વવિદિત છે. આવા નિર્ણયો,
અનામત પ્રથાને કારણે દેશમાં ભયાનક આંદોલનો પણ થયા છે તે ભૂલવું ન જોઈએ.
સત્વરે આ વિવાદનો અંત આવે તે સૌના હિતમાં છે.