• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં બ્યુટીફિકેશનના સર્વે દરમ્યાન રસ્તાના નબળા કામો છતાં થયાં

ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શહેરને ચિત્રોથી તેમજ અન્ય રીતે આકર્ષિત ઓળખ આપવા માટે બ્યુટીફિકેશનના કામો કરવાના છે. જેને લઈને મહાનગરપાલિકા દ્વારા માર્ગોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન રસ્તાના કામમાં બેદકારી સામે આવતા અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે અને સેગ્રીગેટ થયેલી સર્ફેસને ફરીથી કરવા માટે કહેવામાં આવ્યું છે.

મહાપાલિકા બન્યા બાદ મહિનાઓ સુધી કોઇ કામગીરી નહીં

મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, મેહુલ દેસાઈ, એન્જિનીયર અર્ણવ બુચ, ચિંતન પ્રજાપતિ, સત્યપાલાસિંહ ઝાલા સહિતના અધિકારીઓએ બ્યુટીફિકેશન માટે અલગ અલગ માર્ગોનો સર્વે કર્યો હતો જેમાં કે.ડી.બી.એ., મૈત્રી રોડ, હોસ્પિટલ રોડ, ટાગોરથી સંતોષી માતા રોડ સહિતના માર્ગોનો સર્વે કરાયો હતો. તેમાંથી ઘણા શહેરની સુંદરતા માટે નક્કી કરવામાં આવ્યા છે. સર્વેની કામગીરી ચાલુ છે અને હજુ પણ બ્યુટીફિકેશન માટે માર્ગો નક્કી કરવામાં આવશે.  મહાનગરપાલિકા બન્યા બાદ સરકારે શહેરમાં બ્યુટીફિકેશન ઉપર કામ કરવા માટે કહ્યું હતું. લગભગ 10થી 11 મહિના સુધી ખાસ કોઈ કામગીરી થઈ નથી. પરંતુ કમિશનર બદલાયા ત્યાર પછી અલગ અલગ કામગીરીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સૌંદર્યકરણ માટે ભીંત ચિત્રો દોરાયા

અગાઉ બ્યુટીફિકેશનમાં ટાગોર પાર્ક બગીચાની દિવાલ, પેમેન્ટ પાર્ક દિવાલ સહિતની અલગ અલગ જગ્યાઓ ઉપર કામગીરી થઈ હતી. ઓવરબ્રિજ ઉપર પણ ચિત્રો અંકિત કરાયા છે.  આ ઉપરાંત તોલાણી કોલેજ તથા પોલિટેકનિક કોલેજ તેમજ રમત ગમત મેદાન વગેરે જગ્યા ઉપર સુંદરતા માટે ચિત્રો બનાવવામાં આવ્યાં છે.

ઠેકેદારને તાકીદ કરાઈ

પરંતુ શહેરમાં દાખલ થતાની સાથે જ સુંદરતા દેખાય તેવા કોઈ કામ થયા નથી ને હવે તે કામગીરી કરવાની છે. જેના માટે સર્વે પણ કરવામાં આવ્યો છે. જે જે માર્ગોને આઇકોનિક તરીકે લેવામાં આવ્યા છે તેમાં બ્યુટીફિકેશનની કામગીરી થવાની છે અને હાલ માર્ગોની કામગીરી થઈ રહી છે. સર્વે દરમ્યાન અધિકારીઓને મહેશ્વરીનગર ચાર રસ્તાથી જે માર્ગ બન્યો છે તેની કામગીરીમાં બેદરકારી દેખાઈ હતી. આરસીસી રોડ ઉપર સર્ફેસ સેગ્રીગેટ થઈ હોવાનું ધ્યાને આવતા તુરંત કોન્ટ્રાક્ટરને તાકીદ કરીને સેગ્રીગેટ થયેલી સર્ફેસને ફરીથી કરવા માટે કહેવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટરનું પુછાણું લેવામાં આવ્યું છે. હાલના સમયમાં માર્ગોની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે જરૂરી છે કે, વહીવટી તંત્ર દ્વારા સતત સુપરવિઝન કરવામાં આવે તે અત્યંત જરૂરી અને આવશ્યક છે. તંત્ર હાલ શહેરની સુંદરતા માટે પ્રયાસરત થયું છે આગામી સમયમાં બદલાવ દેખાશે તેઓ દાવો કરાઈ રહ્યો છે.

Panchang

dd