• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

મસ્કામાં સપ્તશક્તિને જાગૃત કરવાનો સંકલ્પ લેવાયો

ભુજ, તા. 21 : મસ્કા ખાતે મહિલાશક્તિને સશક્ત કરતા `સપ્તશક્તિ સંગમ' કાર્યક્રમમાં 250થી વધુ મહિલાએ ભાગ લીધો હતો. પ્રાચીન સંસ્કૃતિથી ચાલી આવતી નારીઓની ગાથાઓ અને તેમનામાં રહેલી શક્તિઓ દ્વારા તેમણે કરેલાં વિવિધ કાર્યો, સમાજમાં રહેલો સ્ત્રીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણને બદલવા નારીઓએ હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓ યાદ કરી આજના મોડર્ન યુગની નારીમાં રહેલી શક્તિને જાગૃત કરવા માટે કચ્છી રાજગોર શૈક્ષણિક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત કસ્તૂરબેન મેઘજી માલજી મોતા પરિવાર શિશુકુંજ શિશુવાટિકા તથા શિશુકુંજ વિદ્યામંદિર મસ્કામાં યોજાયેલા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમમાં મહિલાઓએ સપ્તશક્તિને જાગ્રત કરવાનો સંકલ્પ લીધો હતો. દીપ પ્રાગટય બાદ વંદના  વિધિબેન વ્યાસે કરી હતી. સમૂહગીત શ્રેનવીબેન નાગુ અને કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ રજૂ કર્યું હતું. સમાજમાં રહેલી સ્ત્રીઓ વિશેની સંકુચિત વિચારસરણીને બદલતી વિચારણા સ્થાપિત કરી સ્ત્રીઓને પોતાની શક્તિને જાણી ઉજાગર કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ આશાબેન હસમુખભાઈ મહેતા રહ્યા હતા. વિશેષ અતિથિ મસ્કા ગામના મહિલા સરપંચ ઉર્મિલાબેન ગોર, બાગ ગામના મહિલા સરપંચ પ્રિયંકાબેન મોતા અને કન્યા છાત્રાલયના ગૃહમાતા કસ્તૂરબેન જોશી ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતીબેન ગોર કુટુંબ પ્રભોધન વિશે જણાવતાં કુટુંબના સંબધોની બાળકના માનસ પર પડતી અસર તથા સમજ, જાગૃત મહિલા દ્વારા કુટુંબમાં સ્થપાતી શાંતિ વિશે જણાવી સંયુક્ત કુટુંબના ફાયદાઓ વિશે જણાવ્યું હતું. પહેલાના સમયમાં માતા કઈ રીતે પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી તે અંગે માહિતી આપી હતી. હિનાબા જાડેજાએ પર્યાવરણને ધ્યાનમાં રાખી પોતાની જીવનશૈલી વિકસાવવા અંગે ચર્ચા કરી, શુદ્ધ પર્યાવરણનું જતન તથા મહત્ત્વ વિશે જણાવ્યું હતું. કિશોરીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવતી રાણી અહલ્યાબાઈ હોડકર, કેપ્ટન લક્ષ્મી સહેગલ, ભારતીય પ્રથમ મહિલા ડોક્ટર આનંદી જોશીનાં પાત્રો ભજવાયાં હતાં. ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને  લગતી જ્ઞાનસભર પ્રશ્નોતરી અલ્પાબેન નાગુ દ્વારા રજૂ કરઇ હતી. સંમેલનમાં સમાજ માટે પ્રેરણા આપનારી કર્તવ્યનિષ્ઠ મહિલા તરીકે દમયંતીબેન રમેશભાઈ મોતા, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળી સંતાનની માતા તરીકે સવિતાબેન પ્રવીણભાઈ મોતા અને સયુંકત પરિવારના શિલ્પી તરીકે નીતાબેન દિનેશભાઈ મોતાનું સન્માન કરાયું હતું. `િશશુકુંજ' વિદ્યામંદિરના પ્રધાનાચાર્ય ખુશ્બૂબેન વ્યાસ દ્વારા પરિચય અને પ્રસ્તાવના રજૂ કરાઇ હતી. કાર્યક્રમના સંયોજિકા આશાબેન મોતા, સંચાલન સંગીતાબેન મોતા તથા આભારવિધિ સાક્ષીબેન મોતાએ કરી હતી. બાગ, ગુંદિયાળી,મસ્કા તેમજ માંડવી મહિલા મંડળનો સહયોગ રહ્યો હતો. વ્યવસ્થાપક સમિતિએ વ્યવસ્થા સંભાળી હતી.

Panchang

dd