રતનાલ, તા. 5 : ભુજ
તા.નાં ધાણેટી ગામ ખાતે સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત
સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં ભગવાનની ગોવર્ધનલીલા, શ્રીકૃષ્ણ-સુદામા ચરિત્ર લીલા સહિતની ઝાંખીઓ
રજૂ કરાઇ હતી. કથા પારાયણમાં વ્યાસપીઠ વક્તા પદેથી રાધેકૃષ્ણ શાસ્ત્રીજીએ કથાના
સાતમા દિવસે ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી આ ગામના સતત 11 દિવસ
સુધી ચાલેલા પાતાળેશ્વર મહાદેવ ત્રિદિવસીય મહોત્સવ અને ત્યારબાદ શ્રીમદ્ ભાગવત સપ્તાહનાં
આયોજનમાં મહાપ્રસાદનાં આયોજનને બિરદાવ્યું હતું. આ અગાઉ કથાના છઠ્ઠા દિવસે
રૂક્ષ્મણિ વિવાહમાં શ્રીકૃષ્ણ પક્ષે ડોસાણી (છાંગા) પરિવારનાં આંગણે જાન કથા મંડપ
વૃંદાવનધામ આવી હતી. મહિલાઓએ ઢોલના તાલે રાસ લીધા હતા. યજમાન માંડવા પક્ષે માતા
પરિવાર દ્વારા જાનનું સ્વાગત કરાયું હતું. રાત્રે ભવ્ય બિરજુભાઈ બારોટ, ગોપાલભાઈ સાધુ, અનિરુદ્ધ આહીર અને મેક્સ આહીરના સથવારે સંતવાણીમાં ગૌસેવાના લાભાર્થે
ગ્રામજનો મન મૂકીને વરસ્યા હતા.રાજ્યમંત્રી અને અંજાર મતવિસ્તાર ધારાસભ્ય
ત્રિકમભાઈ છાંગાએ જ્ઞાનયજ્ઞને બિરદાવતાં ધાણેટી ગામ દ્વારા કચ્છમાં સામાજિક
સમરસતામાં નવી રાહ બતાવાઈ હોવાનું જણાવ્યું હતું. આલાભાઈ ભચુભાઈ છાંગા, વાઘજીભાઈ ભચુભાઈ છાંગા અને દેવજીભાઈ ભચુભાઈ છાંગા પરિવાર દ્વારા નિર્માણ
પામેલાં સ્મશાનમાં નિર્માણ ગોડાઉન અને તળાવની પાળ ઉપર બનેલાં પક્ષીઘર (ચબૂતરો)નું
લોકાર્પણ કરાયું હતું. પાણી પુરવઠો, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, સફાઈ કામદારો સહિત આયોજનમાં સહકાર
આપનારઓની કામગીરી બિરદાવાઇ હતી. સોનલલાલજી મહરાજ, દિનેશ-દાદા
લઠેડી, નાગાજણ બાપુ આપા સહિતના સાધુ-સંતો તથા ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા.