કોડાય (તા. માંડવી), તા. 20 : બીએસએફના
સ્થાપના દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરથી પ્રસ્થાન કરેલી વિશાળ બાઈક રેલીનું ભુજ ખાતે
સમાપન થયું હતું. ભુજ માર્ગે કોડાયપુલ અને કોડાય ગામમાં પહોંચતાં ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસભર્યું
સ્વાગત કરવામાં આવ્યું હતું. કોડાય સારસ્વતમ્ સંચાલિત હાઈસ્કૂલ ખાતે સ્વાગત સમારંભ
યોજાયો હતો. સ્વાગત પ્રવચન ડો. બ્રિજરાજ રાવલે આપ્યું હતું. આ પ્રસંગે સિનિયર જવાન
દિનેશકુમાર, આનંદ એસ. જે., રવિ કુમાર સહિતના જવાનોએ જમ્મુથી ભુજ સુધીની બાઈક રેલી અંગે માહિતી આપી હતી.
તેમણે ડ્રગ્સના દુરુપયોગ સામે જાગૃતિ લાવવા તેમના પ્રયત્નોની ચર્ચા કરી હતી. મહેનત
કરવાથી સફળતા ચોક્કસ મળતી હોવાની શીખ આપી હતી. હાઈસ્કૂલના આચાર્ય પ્રફુલ્લભાઈ વીડજાએ
શાળાના પ્રગતિ અહેવાલ સાથે બીએસએફના સમૂહ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ગામની ગૌરવરૂપ
મહિલા બીએસએફ જવાન હુરબાઈ મોહમ્મદ હુસેને છેલ્લા પાંચ વર્ષથી સેવામાં આપેલા તેમના અનુભવ
વિશે જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનોએ બીએસએફ જેવી રાષ્ટ્રીય સેવામાં જોડાવું
જોઈએ. તેમણે યુવાનોને વ્યસનમુક્ત રહીને દેશસેવા માટે પ્રેરણા લેવાની વાત કરી હતી, સન્માન બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગામના સામાજિક અગ્રણી દિનેશભાઈ ઠક્કર,
હેમ્તિયાઝ લોઢિયા, કાસુભાઈ જુણેજા, રજાક જુણેજા, અબ્દુલ શેખજાદા, મજીદ જુણેજા, ગનીભાઈ,
ઇબ્રાહીમ હાલા, મજીદ રાયમા, હાઈસ્કૂલના શિક્ષકગણ
તથા મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગામના અગ્રણી
સુરેશભાઈ જોશી અને આભારવિધિ ઘનશ્યામભાઈ જાકાસણિયાએ કરી હતી.