નવી દિલ્હી, તા. 20 : રાષ્ટ્રપતિ
અને રાજ્યપાલની વિધેયકો મંજૂર કરવાની સમય મર્યાદા અંગે આવેલી અરજીઓની સુનાવણી કરતાં
સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો. અમે નથી માનતા કે, રાજ્યપાલો પાસે વિધાનસભામાંથી પસાર વિધેયકોને
રોકવાના પૂરા અધિકાર છે. જો કે, સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું
કે, અદાલતો રાજ્યપાલ, રાષ્ટ્રપતિને વિધાનસભાએ
પસાર કરેલા વિધેયકોને મંજૂરી આપવા માટેની સમયસીમા
નિયત કરી શકે નહીં. રાજ્યપાલો પાસે ત્રણ વિકલ્પ છે. એક તો ખરડાને મંજૂરી આપી દે,
બીજું વિધેયકો ફેરવિચારણા માટે પાછા મોકલે અને ત્રીજા વિકલ્પમાં વિધેયકો
રાષ્ટ્રપતિ પાસે મોકલી દે, તેવું સુપ્રીમે જણાવ્યું હતું. સુપ્ર્રીમ
કોર્ટે કહ્યું હતું કે, વિધેયકોની મંજૂરી માટે કોઇ સમયસીમા નક્કી
નથી, પરંતુ વિલંબ થાય તેવા સંજોગોમાં અદાલત દખલ કરી શકે છે. સર્વોચ્ચ
અદાલતની પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠે સર્વસંમત્તિથી કહ્યું હતું કે, રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર થયેલા વિધેયકોને મંજૂરી આપવા અંગે રાજ્યપાલો
અને રાષ્ટ્રપતિ માટે કોઇ સમયસીમા નિર્ધારિત કરી નથી શકાતી. ન્યાયતંત્ર પણ આવા મામલામાં
અનુમાનિત સ્વીકૃતિ ન આપી શકે. મતલબ કે, રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ
મંજૂરી માટેના વિધેયકનો સમય પર જવાબ નથી આપતા તો કાયદો માની લે છે કે, મંજૂરી આપી દેવાઇ છે. બંધારણની કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલની
શક્તિ-સત્તા તેમના વિવેક પર નિર્ભર છે. કોઇ વિધેયક પર ફેંસલો લેતી વખતે રાજ્યપાલ મંત્રીમંડળની
સલાહથી બંધાયેલા નથી, તેવું સુપ્રીમે
જણાવ્યું હતું. અદાલત વિધેયકના મેરિટ (યથાર્થતા)માં ભલે નથી જઇ શકતી, પરંતુ લાંબા સમય સુધી, કોઇ કારણ વિના, અનિશ્ચિત ગાળા સુધી વિલંબ થાય તો કોર્ટ સીમિત નિર્દેશ આપી શકે છે. રાષ્ટ્રપતિ
સાથે પણ એવું જ છે. ન્યાયિક સમીક્ષા પર સંપૂર્ણપણે રોક છે, પરંતુ
લાંબા સમય સુધી કાર્યવાહી ન થવાની સ્થિતિમાં અદાલત પોતાનાં બંધારણીય પદનો ઉપયોગ કરી
શકે છે, તેવું સુપ્રીમની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ
બી.આર. ગવઇનાં વડપણવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે, રાજ્યપાલ કાયદો
બનાવવા વચ્ચે માત્ર એક રબ્બર સ્ટેમ્પ નથી. સુનાવણી દરમ્યાન એટર્ની જનરલ આર. વેંકટરમણી
અને સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકારનો પક્ષ રાખ્યો હતો. બીજી તરફ,
વિપક્ષશાસિત તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તેલંગાણા,
પંજાબ અને હિમાચલપ્રદેશ રાજ્યોએ કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો હતો.