• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

બિહારમાં રચાયો ઇતિહાસ, નીતીશ 10મી વાર સીએમ

પટણા, તા. 20 : ગાંધી મેદાન ગુરુવારે વધુ એકવાર બિહારની રાજનીતિના ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું હતું. નીતીશકુમારે 10મી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લઇને ઇતિહાસ રચી નાખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે નીતીશ સહિત 27 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને નીતીશ સહિત મંત્રીએને શપથ લેવડાવ્યા હતા. સમ્રાટ ચૌધરી અને વિજયસિંહાએ નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ભાજપના 14, જેડી-યુના આઠ, લોજપાના બે`હમ' અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષમાંથી એક-એક ધારાસભ્યને મંત્રીપદ મળ્યા હતા. આ મંત્રીમંડળમાં એક મુસ્લિમ ચહેરો પણ સામેલ છે. જેડી-યુએ જમાખાનને મંત્રીપદ આપ્યું છે. નીતીશની નવી ટીમમાં આ વખતે 13 નવા ચહેરાને સ્થાન અપાયું છે. રામકૃપાલ યાદવ, શ્રેયસીસિંહને ચિરાગ  પાસવાનના પક્ષમાંથી પણ બે ધારાસભ્યને સામેલ કરાયા છે. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપને મહુઆ બેઠકથી હાર આપનાર લોજપાના સંજયસિંહને પણ  મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. શપથગ્રહણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  મંચ પરથી `િબહારી' શૈલીમાં ગમછો લહેરાવી, સમર્થક સમુદાયનું અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આસામ, મેઘાલય, હરિયાણા, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ દિલ્હીના મુખ્યપ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. નીતીશ ઉપરાંત કુલ 26 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં સામેલ જમુઇના ધારાસભ્ય શ્રેયસીસિંહ પહેલીવાર મંત્રી બન્યાં છે. કુલ 26 મંત્રીમાં એક મુસ્લિમ છે, તો ત્રણ મહિલા છે, જ્યારે ત્રણ ચહેરા એવા છે જે પહેલીવાર મંત્રી બન્યા છે. 

Panchang

dd