• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ઈન્ટર્નશિપ માત્ર મુખ્ય વિષય અને વિભાગીય વડાએ સૂચવેલી એજન્સીમાં જ કરી શકાશે

ગાંધીધામ, તા. 20 :   આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ સંબંધિત માર્ગદર્શિકા, દસ્તાવેજીકરણ અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે  ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ ફરજિયાત 15 દિવસ  અથવા 120 કલાકની ઇન્ટર્નશિપના સૂચારુ અમલીકરણ માટે કોલેજના આચાર્ય અને સંબંધિત વિભાગોના અધ્યક્ષો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચાર્ય સુશિલ ધર્માણીએ કહ્યું હતું કે, ઇન્ટર્નશિપ માત્ર મુખ્ય વિષયમાં માન્ય રહેશે તથા તમામ વિદ્યાર્થીઓએ  વિભાગીય વડા અથવા વિષય પ્રાદ્યાપકની પૂર્વ મંજૂરી મેળવનાર એજન્સીમાં જ તાલીમ લેવાની રહેશે.  મૂલ્યાંકન પ્રક્રિયાની ચર્ચા કરતાં જણાવાયું કે, કુલ 100 માર્કમાંથી 60 માર્ક બાહ્ય એજન્સી દ્વારા હાજરી, વર્તન અને કાર્યક્ષમતાના આધારે અને 40 માર્ક કોલેજ દ્વારા રિપોર્ટ તથા વાઇવા આધારિત આપવામાં આવશે. રિપોર્ટ તૈયાર કરવા માટે કંપની પ્રોફાઇલ, ઇન્ટર્નશિપ પ્રવૃત્તિઓ, પ્રાપ્ત થયેલી  કુશળતાનો વિગતવાર સમાવેશ તથા એ-ફોર સાઇઝ, ટાઇમ્સ ન્યૂ રોમન, 12 ફોન્ટ અને 1 ઇંચ માર્જિન જેવા ફોર્માટિંગ નિયમો પણ સમજાવવામાં આવ્યા. ઓરિએન્ટેશનમાં જણાવાયું કે, તમામ વિભાગીય વડા વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને માર્કશીટનું સંકલન કરીને સેમેસ્ટર અંતે પરીક્ષા વિભાગને સબમિટ કરશે. તમામ પ્રાધ્યાપકોને સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન ફાળવવામાં આવશે, જેથી મેન્ટોરશિપ વધુ અસરકારક બની રહે. ઇન્ટર્નશિપ પ્રક્રિયાને વધુ પારદર્શક, વ્યવસ્થિત અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ સાથે સુસંગત બનાવવાનો હતો. આખા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપને ગંભીરતાપૂર્વક પૂર્ણ કરવા, સમયસર દસ્તાવેજો જમા  કરવા અને માર્ગદર્શકોના સૂચન મુજબ કાર્ય કરવા સમજ આપવામાં આવી હતી. 

Panchang

dd