ભુજ, તા. 15 : કચ્છમાં ગયા અઠવાડિયે ફાગણમાં
ચૈત્ર જેવી આકરી ગરમી અનુભવાયા બાદ પવનની ઝડપ વધવા સાથે તેની દિશા બદલાતાં મહત્તમ પારો
ગગડતાં ગરમીમાં નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગે મહત્તમ તાપમાનમાં ચડાવ-ઉતાર જારી
રહેવા સાથે છૂટાછવાયા વિસ્તારમાં ગરમીનું આકરું મોજું જારી રહેવાની આગાહી કરવામાં આવી
છે.ભુજમાં 36.7, કંડલા (એ.)માં 37.2, નલિયામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાને અંગ
દઝાડતા તાપમાંથી રાહત મળી હતી.સવારના ભેજનાં ઊંચાં પ્રમાણ સાથે કેટલાક વિસ્તારમાં ઝાકળવર્ષા
વરસી હતી. નખત્રાણા સહિત જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારમાં આકાશમાં લિસોટારૂપી વાદળ
સાથે ધાબડિયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં
પલટો જોવા મળતાં ખેડૂતોમાં થોડી ચિંતાની લકીર જોવા મળી હતી. જિલ્લામાં સરેરાશ 8થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.