ભુજ, તા. 13 : કચ્છના લોકોને નેત્રરોગ મુક્ત
બનાવવાનાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલાં અભિયાનના ભાગરૂપે પ્રોજેક્ટ રોશનીનો 16મો કેમ્પ આ વખતે માધાપરમાં તા. 16/3ના રવિવારે યોજાનારો છે. કચ્છમિત્ર
દ્વારા પ્રાયોજિત અને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ દ્વારા યોજાનારાં
આ અભિયાન અંતર્ગત શિબિરના મુખ્યદાતા સ્વ. રતિલાલભાઇ લાલજી શિયાણી હસ્તે ધર્મપત્ની ગં.સ્વ.
વેલબાઇ રતિલાલભાઇ શિયાણી માધાપરવાળા રહેશે. બંને સંસ્થાના સહયોગથી અત્યાર સુધી 15 કેમ્પ યોજાઇ ચૂક્યા છે ને આ
વખતે રવિવારે 16મો મણકો છે. માધાપરમાં નવાવાસ લેવા કણબી
જ્ઞાતિની પટેલવાડી (મોટી પટેલવાડી) ખાતે સવારે 9.30 વાગ્યાથી પ્રારંભ થશે. આ તમામ કેમ્પ તદ્દન મફત હોય છે. કેમ્પનો
પ્રારંભ ભુજ લોહાણા મહાજનના પ્રમુખ અને જાણીતા સર્જન ડો. મુકેશ ચંદે તથા સરકારી વકીલ
એચ. બી. જાડેજાના હસ્તે દીપ પ્રાગટયથી થનારો છે. કેમ્પના અન્ય દાતાઓ તથા આગેવાનો અરજણ
નારણ ભુડિયા, વેલજી મૂરજી ભુડિયા (રઘુનાથ
મંદિરના પ્રમુખ), રામજી પ્રેમજી ગોરસિયા, જયંતભાઇ કરશન માધાપરિયા (પ્રમુખ-કચ્છ માધાપર પટેલ જ્ઞાતિ મંડળ), અરજણ દેવજી ભુડિયા (ભૂતપૂર્વ સરપંચ), રવજી માવજી ભુડિયા
(સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ), દેવજી કરશન દબાસિયા, લક્ષ્મણ મૂરજી હાલાઇ, વેલુબેન પ્રેમજી હીરાણી (એમ્બ્યુલન્સના
દાતા), કીર્તિભાઇ જાદવજી વરસાણી હાજરી આપશે. કચ્છના લોકોને આંખના
મોતિયામાંથી મુક્તિ આપવાની ઝુંબેશમાં સેંકડો દર્દીઓ જોડાઇ રહ્યા છે, ત્યારે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી 15 કેમ્પમાં 14 હજારથી વધુ ઓપરેશન થઇ ચૂક્યાં
છે. પ્રોજેક્ટ રોશની અંતર્ગત સુપ્રાફોબ કંપનીના ઉચ્ચ ગુણવત્તાવાળા નેત્રમણિ બેસાડવામાં
આવે છે. માધાપરના કેમ્પમાં આવનારા દર્દીઓમાંથી ઓપરેશનવાળાનાં ઓપરેશન લેવા પટેલ હોસ્પિટલમાં
કરવામાં આવશે.