ભુજ, તા. 8 : કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચા
દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની `નારી પ્રતિભા સન્માન' કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ મહિલા મોરચાના માર્ગદર્શન અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની
આગેવાની હેઠળ આજે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય
ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજમાં વિવિધ ક્ષેત્રમાં
ઉત્કૃષ્ટ કાર્ય કરતી મહિલા પ્રતિભાઓનું તેઓની અપ્રતિમ પ્રેરણાદાયી કામગીરી બદલ સન્માન
કરવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ અવસરે જણાવ્યું હતું કે ભારતીય
જનતા પાર્ટી હર હંમેશ સમાજમાં મહિલાઓના યોગદાન, શક્તિ અને સન્માનને
ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ હોય છે. મહિલા સશક્તિકરણને આગળ ધપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ
મોદીના સંકલ્પ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ અવિરતપણે કમર કસી છે. આ પ્રસંગે વિનોદભાઈએ
સન્માનિ મહિલાઓના સામાજિક, શૈક્ષણિક, આર્થિક
અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં આપેલા નોંધપાત્ર યોગદાનો વિશે સૌને માહિતગાર કર્યા હતા.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મહિલાઓને સશક્ત બનાવવા માટે શિક્ષણ,
સ્વાવલંબન અને સમાન તકોના મહત્વ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી
રહી છે અને સમાજના વિકાસમાં અગ્રેસર રહી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહી છે જે એક ભવિષ્યના
સમૃદ્ધ, વિકસિત ભારતની ઉજળી નિશાની છે. મુખ્ય વક્તા તરીકે ઉદ્બોધન
કરતા ગાંધીધામના પૂર્વ નગરસેવિકા કાંતાબેન સોલંકીએ વંદેમાતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થતા તે વિષય ઉપર
વિશેષ વક્તવ્ય આપતા નારી શક્તિ અને માતૃભૂમિ વચ્ચેના અદ્ભુત સમન્વય વિશેની તુલનાત્મક
સમીક્ષા કરી હતી. આ નારી પ્રતિભા સન્માન કાર્યક્રમમાં
વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરેલ મહિલા પ્રતિભાઓ જેવા કે પાબીબેન રબારી (હસ્તકલા), જયશ્રીબેન આહીર (ગોલબોલ ગેમ, ભારતીય ટીમ કેપ્ટન), વૈશાલીબેન સોલંકી (ભરતનાટ્યમ),
નયનાબેન ગોસ્વામી (સમાજસેવા), ચંદ્રિકાબેન ધોળુ
(ઓર્ગેનિક ફૂડ), રાજીબેન વણકર (પર્યાવરણ - વણાટકામ), જાગૃતિબેન વકીલ (શિક્ષણ ક્ષેત્રે એવોર્ડ વિજેતા), પ્રફુલાબેન
ઠકકર (કેન્સર જાગૃતિ)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અગાઉ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા
ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પારૂલબેન કારાએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા
વિશે સૌને અવગત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન
ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ રચનાબેન શાહે તેમજ આભારવિધિ જિલ્લા ભાજપના મંત્રી રૂપલબેન
દેસાઈએ કર્યા હતા. કાર્યક્રમમાં જીલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઇ ખંડોર, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું
જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત
યાદીમાં જણાવાયું હતું.