• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

ગાંધીધામ સુધરાઇ બાબાસાહેબની પુણ્યતિથિ ભૂલી ગઈ

ગાંધીધામ, તા. 6 : 6ઠ્ઠી ડિસેમ્બરનાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી, કચ્છના સાંસદ, ધારાસભ્ય તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી, પરંતુ મહાનગરપાલિકા બનવા જતી અહીંની સુધરાઇના અધિકારી, પદાધિકારીઓ વૈશ્વિક વિભૂતિને પુષ્પાંજલિ આપવાનું જ ભૂલી ગયા હતા. દેશ તેમજ સમગ્ર વિશ્વમાં જ્ઞાનના પ્રતીક ગણાતા બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર પુષ્પાંજલિ આપવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડો. બી. આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જ્યારે અહીંની નગરપાલિકાના હોદ્દારો તેમજ અધિકારીઓ દ્વારા આ મહાન વિભૂતિને ફૂલહાર કરવાની પણ તસ્દી લીધી ના હતી. આ સંદર્ભે સુધરાઇના મુખ્ય અધિકારી સંજય રામાનુજનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, આવો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો. જેથી પ્રમુખ તેજસભાઇ શેઠનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, બાબાસાહેબની પુણ્યતિથિ અંગે પાલિકામાં ઠરાવ કરાયો નથી, જ્યારે જન્મજયંતીની ઉજવણી કરાય છે. આ ઉપરાંત ઉચ્ચસ્તરેથી સૂચના આવતાં બંધારણ દિવસની પણ અગાઉ ઉજવણી કરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd