• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અદાણી જૂથ મુંદરામાં જહાજ નિર્માણ કરશે

મુંદરા, તા. 9 : ભારત અને એશિયાના બીજા સૌથી સમૃદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચેરમેન પદ હેઠળનું અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું પોર્ટ ઓપરેટર તો છે જ, પણ હવે એ સમુદ્રમાં ચાલતા વિશાળ જહાજોનું પણ નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી જૂથ હવે શિપબિલ્ડિંગમાં પ્રવેશવાની યોજના ઘડે છે અને એ પણ ગુજરાત રાજ્યના કચ્છમાં મુંદરામાં..  આજે પ્રસિદ્ધ  અહેવાલ મુજબ, મુંદરા પોર્ટની રૂા. 45,000 કરોડની વિસ્તરણ યોજનામાં અદાણીની શિપબિલ્ડિંગ યોજનાનો સમાવેશ થયો છે. જેને તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. ગ્રુપની જહાજ નિર્માણ યોજના પર જોઈએ, તો પહેલાંથી આના પર કામ જારી હતું, પરંતુ મુંદરા પોર્ટની રૂા. 45,000 કરોડના વિસ્તરણની યોજનાને કારણે તે અટકી ગયું હતું. તાજેતરમાં મુંદરા પોર્ટને વિસ્તરણ માટે પર્યાવરણ અને અન્ય દરિયાકાંઠાના નિયમોને લગતી મંજૂરીઓ મળી છે. આવી સ્થિતિમાં હવે તે આ યોજના સાથે આગળ વધી શકે છે. જો કે, આ અંગે અદાણી ગ્રુપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઊર્જા, બંદર, પેટ્રો કેમિકલ, ગેસ, સૌર ઊર્જા, પવન ઊર્જા અને સિમેન્ટ ઉદ્યોગના ક્ષેત્રે આગેકૂચ કરતું અદાણી ગ્રુપ હવે કચ્છને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જહાજ નિર્માણ માટે ચમકાવવા પ્રતિબદ્ધ છે. મુંદરા ખાતે અદાણી ગ્રુપ ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનની જેમ જહાજ નિર્માણ માટે કવાયત હાથ ધરશે અને હેવાલો પ્રમાણે 2028 સુધીમાં મુંદરા પોર્ટ પર જહાજનું નિર્માણ શરૂ થઈ જશે. અદાણી ગ્રુપ દ્વારા દેશના બંદર અને જહાજ ઉદ્યોગને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી તરફ વાળવાનું લક્ષ્ય છે. ખાસ યોજના તો એ છે કે, આવનારાં 30 વર્ષમાં અદાણી ઇકો ફ્રેન્ડલી 50,000 જહાજ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રુપ એવા સમયે શિપબિલ્ડિંગ સેક્ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે વૈશ્વિક શાપિંગ ઉદ્યોગ ધીમે-ધીમે ડિકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકોને પહોંચી વળવા ગ્રીન શિપ તરફ આગળ વધી રહ્યો છે.  એવો અંદાજ છે કે, હાલના જહાજોના કાફલાને બદલવા માટે આગામી 30 વર્ષમાં 50,000થી વધુ જહાજો બનાવવામાં આવશે. નોંધનીય છે કે, હાલમાં ભારતમાં જહાજો બનાવવા માટે આઠ સરકારી અને લગભગ 20 ખાનગી શિપયાર્ડ છે, તેમાં ચેન્નાઈ નજીક લાર્સન એન્ડ ટૂબ્રોનું કટ્ટુપલી શિપયાર્ડ અને સરકારનું કોચીન શિપયાર્ડ સામેલ છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા શિપ બિલ્ડિંગમાં અગ્રણી છે, પરંતુ મોટાભાગના યાર્ડમાં ઓછામાં ઓછા 2028 સુધી ઓર્ડર સંપૂર્ણ  બૂક થઈ ગયા છે. આ કારણે વિશ્વની મોટી શિપ ઓપરાટિંગ કંપનીઓ શિપ બિલ્ડિંગ માટે વૈકલ્પિક જગ્યાઓ શોધી રહી છે.  આમાં ભારત પણ સામેલ છે. આ તકનો લાભ લેવા અદાણી ગ્રુપ શિપ બિલ્ડિંગમાં પ્રવેશવા માટે ગંભીરતાથી  વિચારે છે. મેરીટાઇમ ઈન્ડિયા વિઝન 2030માં ભારતને ટોચના 10 શિપ બિલ્ડર બનાવવાનું અને 2047 સુધીમાં મેરીટાઇમ અમૃતકાલ વિઝનમાં દેશને ટોચના પાંચમાં  સ્થાન મેળવવાનું લક્ષ્ય છે.  અદાણી ગ્રુપની યોજના દેશની આ યોજનામાં બંધબેસતી છે. વૈશ્વિક કોમર્શિયલ શિપ બિલ્ડિંગ બજારમાં ભારતનો હિસ્સો માત્ર 0.05 ટકા છે અને વિશ્વમાં કોમર્શિયલ શિપ નિર્માણ દેશોની યાદીમાં ભારત 20મા ક્રમે છે.  ભારતીય માલિકીના અને ભારતીય ધ્વજવાળા જહાજો દેશની કુલ વિદેશી કાર્ગો જરૂરિયાતોમાં લગભગ 5ાંચ ટકા જ  હિસ્સો ધરાવે છે.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang