ભુજ, તા. 7 : કચ્છની
હસ્તકલાએ દેશ-વિદેશમાં ડંકો વગાડયો છે,
ત્યારે આવા કચ્છના ત્રણ કલાના કસબીઓને વર્ષ 2024ના
રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયા છે,
જેમાં કચ્છમાં પ્રથમ વખત મશરૂ વણાટકામ માટેનો એવોર્ડ મળ્યો છે. વર્ષ
2024ના મશરૂ વણાટકામ માટે માંડવી તાલુકાના
ડોણના ધોરિયા ભોજરાજ દામજીને અને ખરડ ડારી માટે મૂળ કુરન હાલે કુકમાના સામત
તેજશીને અને કચ્છી હસ્તકલાની શાલ માટે ભુજોડીના દિનાબેન રમેશ ખરેટને રાષ્ટ્રીય
એવોર્ડ જાહેર થયા છે. મશરૂ હસ્તકલા 1300 વર્ષ જૂની કળા છે. કચ્છ અને પાટણમાં
વણાટ થતું હતું. રાજાશાહી વખતથી માંડવીમાં મોટાં પ્રમાણમાં કામ થતું હતું અને
ત્યારે માંડવી તાલુકામાં 500 વણકર હતા. સમય જતાં આ કલા બંધ થઇ
હોવાનું ભોજરાજભાઇએ જણાવ્યું હતું. 1990માં માત્ર એક જ તેમનો પરિવાર આ
કામ કરતો હતો. એક પગે પોલિયોગ્રસ્ત ભોજરાજભાઇ માટે આ કામ મુશ્કેલરૂપ હોવા છતાં
ખંતથી કામ કરતાં આ એવોર્ડ જાહેર થતાં તે તથા તેમનો પરિવાર અને મશરૂના કારીગરો
આનંદિત હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વડીલોના વારસામાં મળેલી લુપ્ત ખરડ
વિવિંગને અથાગ પરિશ્રમથી જીવિત રાખેલા મૂળ કુરન હાલે કુકમાના સામત તેજશીને 2024નો
નેશનલ એવોર્ડ જાહેર થયો છે. 2018નો સ્ટેટ એવોર્ડ, સામતભાઇના પિતા
તેજશીભાઇને 2019નો નેશનલ એવોર્ડ, 2013નો સંત કબીર એવોર્ડ, 2021નો ગુજરાત ટૂરિઝમ એવોર્ડ, 2019નો ઇન્ટરનેશનલ ક્રાક્ટ એવોર્ડ, 2023નો ઇન્ડિયન ફેશન એવોર્ડ, 2020નો સ્ટેટ એવોર્ડ, 2008નો કચ્છ બિઝનેસ એસોસિયેશન એવોર્ડ, સામતભાઇના પિતા
હીરાભાઇને 2022નો સ્ટેટ એવોર્ડ મળ્યો છે, જ્યારે ભુજ તાલુકાના
ભુજોડીના વણકરવાસમાં રહેતા દિનાબેન રમેશ ખરેટને હાથવણાટની કચ્છી શાલ માટે 2024નો
રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે.