ભુજ, તા. 7 : સત્તા, સંપત્તિ અને પદ કાયમી નથી રહેવાના એ ભાજપ ન ભૂલે. સત્તા પરિવર્તન થયે તમામ
હિસાબો લેવાશે તેવું જણાવી વાવ-બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પક્ષ પ્રત્યેની
વફાદારી પર ભાર મૂકી સત્તાપક્ષ પર પ્રહારો કર્યા હતા. આજે ભુજના ટાઉનહોલ ખાતે આયોજિત
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ વી.કે. હુંબલના પદગ્રહણ સમારંભ તેમજ
કાર્યકર મિલન અને અભિવાદન સમારોહમા ઉપસ્થિત ગેનીબેને લોકો સત્તાપક્ષથી ત્રસ્ત બન્યા
છે. લોકોના વેરાના રૂપિયામાંથી વિકાસનાં કામો થાય છે તેમાં પણ ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો
આક્ષેપ કરી નશાખોરી જેવા અનેક પડકારો વચ્ચે કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ લડી આગામી વર્ષ 2027માં
ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવવાનું આહ્વાન કરી નવનિયુક્ત પ્રમુખ શ્રી હુંબલને અભિનંદન
આપવા સાથે સંગઠન પર ભાર મૂકયો હતો. સાથોસાથ સાત વર્ષના પ્રમુખપદના કાર્યકાળમાં કરેલાં કાર્યો બદલ યજુવેન્દ્રસિંહ જાડેજાની પણ પીઠ થાબડી
હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ કરનારા વી.કે. હુંબલે કચ્છમાં વરસાદ છતાં છેવાડાના
ગામેગામથી ઉપસ્થિતોનો આભાર માની ભ્રષ્ટાચાર સામે સાથે મળી લડવાનો હુંકાર કર્યો હતો.
કચ્છીઓને સતાવતા પ્રશ્નો માટે મજબૂત અવાજ ઉપાડવા સાથે આગામી ગ્રામ સ્વરાજ્યની ચૂંટણીની
તૈયારીનો આજથી જ પ્રારંભ કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. આગામી દિવસોમાં શિસ્ત સમિતિ
સહિતના હોદ્દા પર નિમણૂક અપાશે પણ હોદ્દા સાથે કામ કરવાની શરત પણ મૂકી હતી. પ્રોટોકોલ
અને શિસ્ત હવે અનિવાર્ય રહેશે અને તેમાં ચૂક કોઇ સંજોગોમાં નહીં ચલાવાય તેવુ સ્પષ્ટ
જણાવ્યું હતું. સરકારી જમીન-ગૌચર દબાણો, રોયલ્ટી ચોરી, નશાખોરીનું કચ્છમાં પ્રમાણ વધ્યું છે અને કાયદો વ્યવસ્થા ખોરવાઇ હોવાનું શ્રી હુંબલે જણાવી કોંગ્રેસે મજબૂત સંગઠન
સાથે સત્તાપક્ષનો સામનો કરવો પડશે તેમ ઉમેર્યું હતું. પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ઠક્કરે
જણાવ્યું કે, હાલમાં કિન્નાખોરીનું રાજકારણ છે. વિપરીત પરિસ્થિતિમાં
સુકાન સંભાળવું મુશ્કેલ હોવાનું જણાવી નશાખોરીથી સૌથી વધુ નુકસાન મહિલાઓને જતું હોવાનું
કહી મજબૂત મહિલાવિંગ ઊભી કરવા કહ્યું હતું, તો, શિવજીભાઇ આહીરે આગામી ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.
વાલજીભાઇ દનિચાએ યુવાનોને તાલુકાઓમાં જવાબદારી
સોંપી તક આપવા જણાવ્યું હતું. બચુભાઇ આરેઠિયાએ કચ્છમાં કોંગ્રેસને ઊભી કરવા તૂતૂ-મેંમેંને
મૂકવી પડશે તેવી ટકોર કરી હતી. હાજી જુમા રાયમાએ એક અને નેક બની કામ કરવા અપીલ કરી હતી. પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજાએ
કચ્છને દરેક બાબતે અન્યાય થતો હોવાનું કહી મજબૂત વિપક્ષની જરૂર હોવા પર ભાર મૂકયો હતો.
પૂર્વ પ્રમુખ આદમભાઇ ચાકીએ જણાવ્યું કે, કંપની અને અધિકારીઓને
સલામ કરવાનું બંધ કરવા તેમજ સમજોતાને કારણે પક્ષને મોટું નુકસાન થતું હોવાનું જણાવ્યું
હતું. ભચાભાઇ આહીર, ભરત સોલંકી સહિતે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું
હતું. પ્રમુખપદેથી વિદાય લેતા યજુવેન્દ્રસિંહ જાડેજાએ સાત વર્ષમાં મળેલા કાર્યકરોના
સાથ બદલ આભાર વ્યક્ત કરી કચ્છના હિત માટે કાયમ
લડતા રહેવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સલીમ જત, જુમા નોડે,
જુમા રાયમા, રાજેશ આહીર (રાધનપુર), રમેશ રબારી (રાધનપુર), પુજુભા જાડેજા, પીસી ગઢવી, રાજેશ આહીર -નખત્રાણા), રફીક મારા, રાજેશ પ્રેમજી ઠક્કર, મંચસ્થ બાબુભાઇ મેઘજી શાહ, અરજણ ભુડિયા, ભરતભાઇ ઠક્કર-મંત્રી પ્રદેશ કોંગ્રેસ, કાસમ સમા,
રાજેન્દ્રસિંહ જાડેજા (અંજાર) વિ. મંચસ્થ રહ્યા હતા. પ્રારંભે મંચસ્થોના
હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. ગેનીબેન, શ્રી હુંબલ સહિત તમામ
મંચસ્થોનું સન્માન કરાયું હતું. ચેતન જોશી, ઇકબાલ મંધરા,
મુસ્તાક હિંગોરજા, અભુ હિંગોરા, યશપાલસિંહ જેઠવા, ઉમર સમા (પચ્છમ), અશરફ સૈયદ, કલ્પનાબેન
જોશી, રસીકબા જાડેજા, આયસુબેન સમા વિ. સમગ્ર
કચ્છમાંથી ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી,
જ્યારે સંચાલન રામદેવસિંહ જાડેજા તથા ગનીભાઈ કુંભારે તેમજ આભારવિધિ લાખાજી
સોઢાએ કરી હતી. વ્યવસ્થા ઘનશ્યામસિંહ ભાટી, અંજલિ ગોર,
એચ. એસ. આહીર વિ.એ સંભાળી હતી.