ભુજ, તા. 7 : શહેરની
ભાગોળે નાગોર ફાટક પાસે પાણી ભરવા ગયેલી બે સગી બહેન હમીદા અબ્દુલા સમા (19) અને અફસાના (16) ત્યાં
ખાડામાં ભરાયેલાં પાણીમાં નાહવા પડયા બાદ પાણીમાં ગરક થઈ જતાં બંને બહેનનાં મોતથી અરેરાટી
વ્યાપી છે. આ કરુણાંતિકા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અબ્દુલા સાલે સમાએ જાહેર કરેલી
વિગતો મુજબ આજે બપોરે 12:30 વાગ્યાના
અરસામાં તેમની બંને પુત્રી હમીદા તથા અફસાના પાણી ભરવા પાનવેલ પાર્કની પાછળ વાડી વિસ્તારમાં
નાગોર ફાટક પાસે પાણી ભરવા ગઈ હતી, જ્યાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાતાં
ત્યાં નાહવા પડતાં ઊંડાં પાણીમાં ગરક થઈ ખાડાની પોચી માટીમાં ફસાઈ જતાં પાણીમાં ડૂબી
ગઈ હતી. આ બનાવની જાણ થતાં પરિજનોએ ઘટનાસ્થળે ધસી જઈ બંને બહેનને પાણીમાંથી બહાર કાઢતાં
મૃત અવસ્થામાં જ મળતાં પરિવાર ભાંગી પડયો હતો અને કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. બંને
બહેનને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.