બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 7 : કચ્છના મોટા રણકાંઠે પથરાયેલ પાવરપટ્ટીમાં ગત રાત્રિ ઢળતાંની સાથે શરૂ થઇ વહેલી પરોઢ સુધી ચારથી છ ઇંચ જેટલો મનભર મીં વરસતાં પંથકના લોકોમાં ભારે હરખનું મોજું ફરી વળ્યું હતું. ઢળતી રાત્રે મેઘો મંડાણ કરતાં સમગ્ર રાત્રિ દરમ્યાન પંથકના પૂર્વે ઝુરા, લોરિયા, સુમરાસર શેખ, જતવાંઢ સહિત ગામોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ થયો હતો. નિરોણા અને તેની આસપાસ છ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો જ્યારે અહીંથી પશ્ચિમે બિબ્બર, વંગ, ખારડિયા, ગોધિયાર અને થાન જાગીર સુધી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં પગલે વિસ્તારના દક્ષિણે પથરાયેલા ડુંગરાળ વિસ્તારમાંથી ભારે માત્રામાં પાલર પાણી વહી ઉત્તરે રણકાંઠાના વિસ્તારમાં પથરાતાં રણકાંઠો તરબતર બન્યો હતો. ખાસ કરીને પૂર્વે સુમરાસરથી માંડી પશ્ચિમે વંગ વચ્ચેના કાંઠાળ વિસ્તારનાં ખેતરો પાણીથી છલોછલ ભરાયેલાં નજરે ચડયાં હતાં. અગાઉ પંથકમાં છૂટક છૂટક થયેલા વરસાદનાં પગલે લોકો વાવણી માટે અચકાતા હતા, જેને લઇ કયાંક કયાંક વાવણી થઇ હતી. જ્યારે મોટા ભાગનો સીમાડો વાવણી માટે તૈયાર રખાયો હતો. લોકો પણ ભારે વિશ્વાસ સાથે વધુ વરસાદની આશાએ આગોતરા બિયારણની વ્યવસ્થા પણ કરી લીધી હતી. તેવાં જ ટાંકણે `માગ્યા મેહ' વરસતાં હવે વાવણી માટે લોકોનાં મન મોકળાં થયાં છે. પંથકની જીવાદોરી સમાન ગણાતો ઝુરાનો કાયલા ડેમ વહેલી સવારનાં જ 39 ફૂટની સપાટીએ છલકાઇ જવાના સમાચાર હરિસિંહ જાડેજાએ આપ્યા હતા. તો નિરોણા ડેમ પણ ઓગની ગયો હતો. ઝુરા, જતવાંઢ, પાલનપુર સહિતનાં ગામોમાં આનંદ છવાયો હતો. ઝુરા ગામના સરપંચ તુષારભાઇ ભાનુશાલી, તાલુકા પંચાયત સદસ્ય મામદભાઈ, વિજયરાજજી, શિવજીભાઇ, અલીમામદ જત ઉપરાંત જતવાંઢ, ઝુરા સહિતના લોકોએ વધાવ્યો હતો. પાલનપુર, બિબ્બર, વેડહાર, હરિપુરા ગામોની 7000 એકરથી પણ વધુ જમીનમાં સિંચાઇ સુવિધા પૂરી પાડતો નિરોણા ડેમ 30 ફૂટની સપાટીએ છલકાયો હતો પશ્ચિમે ધીણોધર ડુંગર નજીક ફેલાયેલા ભૂખી ડેમમાં પણ 24 ફૂટ નવાનીરની આવક થઇ હોવાનુ વંગના સરપંચ ગોવિંદભાઇ આહીરે જણાવ્યું હતું. આ ડેમ 36 ફૂટની સપાટીએ છલકાય છે. આ ઉપરાંત પંથકનો નાનકડો ખારડિયા ડેમ અને વંગ ગામનું તળાવ પણ છલકાયા હોવાના સમાચાર મળ્યા છે.
કડિયા ધ્રોના રસ્તે અનેક લોકો ફસાયા
નિરોણામાં
ભારે વરસાદનાં પગલે નિરોણા ડેમના ઉપરવાસની નદી પટ્ટના રંગીન ખડકોથી સજાયેલ કડિયા ધ્રોનો
નજારો નિહાળવો એક લહાવો છે. અહીં પહોંચવા વચ્ચે અનેક નાના-મોટા વોકળા અને ડુંગરોની
કોતરો ખૂંદવી પડે છે. ભારે વરસાદ બાદ કડિયા ધ્રોનો પ્રાકૃતિક નજારો માણવા આજે અનેક
લોકો હાથવગા સાધનો સાથે દોડયા હતા, પરંતુ વોકળા અને કોતરોમાંથી જોશભેર
વહેતાં પાણીને લઈ વેરવિખેર રસ્તા વચ્ચે અનેક લોકો ફસાયા હતા. કડિયા ધ્રો ખાતે ગાઇડની
ભૂમિકા અદા કરતા મોઇન થેબા, સાજીદ નોતિયાર ફસાયેલા અનેક લોકોની
મદદે આવ્યા હતા. આ બન્ને યુવાનોના જણાવ્યાં મુજબ ચાલુ વરસાદે કડિયા ધ્રો સુધી જતા લોકોને
નિરોણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ફરજ અદા કરે તે જરૂરી છે.