નવી દિલ્હી, તા. 7 : બ્રાઝિલ
શહેરના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ દેશોના શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ નેતાઓએ એક
ઘોષણાપત્ર જારી કરીને સીમાપાર આતંકવાદની આકરી નિંદા કરી હતી. તેમજ અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંધાધૂંધ ટેરિફ અને ઈરાન ઉપર ઈઝરાયલી-અમેરિકી હુમલા
ઉપર નિશાન સાધ્યું હતું. બ્રિક્સ સંમેલનમાં પોતાની વાત રજૂ કરતાં પીએમ મોદીએ
પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો માત્ર ભારત જ નહીં પણ સમગ્ર માનવતા માટે એક આઘાત
સમાન છે એમ જણાવ્યું હતું. પીએમ મોદીએ બ્રિક્સના મંચથી સંગઠનના સભ્યોને સંબોધિત
કરતા સંપૂર્ણ વિશ્વને સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિક્સ દેશોએ
આતંકવાદ મુદ્દે સ્પષ્ટ અને એકીકૃત વલણ અપનાવવાની જરૂરીયાત છે. આતંકવાદ જેવા વિષય
ઉપર બેવડા માપદંડને કોઈ જગ્યા નથી. જો કોઈ દેશ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે
આતંકવાદનું સમર્થન કરે તો તેણે કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. પીએમની બ્રાઝિલ
યાત્રા ઉપર વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફમાં સચિવ દામુ રવિએ કહ્યું હતું કે પીએમ
મોદીએ બ્રિક્સમાં કહ્યું હતું કે 20મી સદીના વૈશ્વિક સંગઠનોમાં 21મી
સદીના પડકારોનો સામનો કરવાની ક્ષમતાનો અભાવ છે. વૈશ્વિક સંસ્થાઓ ખાસ કરીને સંયુક્ત
રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, આઈએમએફ, વિશ્વ બેંક અને ડબલ્યુટીઓમાં સુધારો જરૂરી
છે. બ્રિક્સના ઘોષણા પત્રમાં પાકિસ્તાનનું સીધું નામ લેવામાં આવ્યું નથી પણ તેની
પોલ ખોલવામાં કંઈ છોડાયું પણ નથી. રિયો ડી જાનેરો ઘોષણાપત્રમાં બ્રિક્સ નેતાઓએ
પહેલગામ આતંકી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકવાદીના સીમા પાર
આંદોલન, આતંકવાદને આર્થિક મદદ અને તેને સુરક્ષા આપનારાઓ સામે
મુકાબલો કરવા આહવાન કર્યું હતું. ઘોષણા પત્રમાં ટેરિફ મુદ્દે પણ ટ્રમ્પનું નામ
લીધા વિના આલોચના થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિક્સ સભ્યોએ ટેરિફમાં
એકતરફી વૃદ્ધિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ટેરિફથી વૈશ્વિક
અર્થવ્યવસ્થાઓને નુકસાન પહોંચવાનું જોખમ છે. બ્રિક્સે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા
પરમાણુ અને અન્ય લક્ષ્યો ઉપર ઈરાનમાં કરેલા હુમલાની નિંદા કરી હતી અને ઈરાનને
સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના બ્રિકસ શિખર સંમેલનમાં જિનપિંગ
ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ પુતિને પણ બેઠકમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો જો
કે વીડિયો લિંક મારફતે જોડાયા હતા.