અમદાવાદ, તા. 7 (અમારા
પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં 15મી જૂનથી ચોમાસાની શરૂઆત થઈ છે, જેને હજુ માંડ 22 દિવસ
પસાર થયાં છે ત્યાં તો રાજ્યના કુલ સરેરાશ વરસાદનો 46 ટકાથી વધુ વરસાદ અત્યાર સુધીમાં
ખાબકી ચૂક્યો છે, જેમાં કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકાથી વધુ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 40-45 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.
પરિણામ સ્વરૂપ ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 4205 લોકોનું
સ્થળાંતર અને 684 લોકોનું રેસ્ક્યૂ કરાવ્યું છે. આ માટે
સરકારે વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમો
તૈનાત કરી છે, જ્યારે અન્ય ટીમો રિઝર્વ રાખી છે. ભારે વરસાદને કારણે હાલની સ્થિતિએ ચાર
સ્ટેટ હાઈવે, 5 અન્ય માર્ગો, 144 પંચાયતોના માર્ગો, 1 નેશનલ હાઈવે બંધ હાલતમાં છે.
નગરો-મહાનગરોના રસ્તા પણ તૂટી ગયા છે. લોકો હેરાન-પરેશાન છે ત્યારે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે તમામ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે
ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા
હતા. આ બેઠકમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારો, નગરો-મહાનગરો સહિત
નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત
હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી,
જેમાં, મુખ્યમંત્રીએ ભારે વરસાદથી હાઇવે,
ગ્રામીણ-શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધનાં
ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુન: પૂર્વવત્ બનાવવાની તાકીદની સાથે નાગરિક જીવનમાં
રાજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડનેટવર્કની તત્કાલ મરંમત હાથ ધરવા અને
જે કામોમાં ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરંમતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને
પગલાં લેવાવાં જ જોઈએ એવો પણ સ્પષ્ટ આદેશ જારી કર્યો હતો. અહીં તેમણે એવી પણ તાકીદ
કરી હતી કે, કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું
જોઈએ. આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24#7 કંટ્રોલ
રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધીક્ષક, કાર્યપાલક, નાયબ
ઈજનેરને સ્થળ પર જઈને મરંમત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો
આપ્યા હતા.