• શુક્રવાર, 26 જુલાઈ, 2024

દુધઇ બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચે તે પહેલાં ગાબડાં પડયાં

ભચાઉ, તા. 9 : આ વખતે સારા વરસાદથી તળાવોમાં નવાં નીરનું આગમન થયું છે, પરંતુ દુધઇ બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચે તે પહેલાં મોટાં ગાબડાં પડી જતાં તાલુકાના કબરાઉ-પાંકડસર વચ્ચે આવેલા ઉદાસીન આશ્રમ પાછળ 50 એકરમાં ફેલાયેલાં તળાવમાં પાણીને અવરોધ ઊભો થયો હતો. કબરાઉ ઉદાસીન નિર્વાણ આશ્રમના મહંત કૃષ્ણાનંદજીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને નર્મદા નિગમના વડા સમક્ષ તળાવ ભરાય તેવી માંગ કરાઈ હતી. તળાવની પાછળ દુધઇ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. સારા વરસાદે છલકાતું તળાવ ચારેક ઇંચ વરસાદ બાદ પણ નવાં નીર ન આવતાં ખાલી પડ્યું છે.   આ કેનાલના વિશાળ ગાબડાંમાંથી તળાવમાં આવતું પાણી નહેરમાં પહોંચી જાય છે. હાલે નર્મદાનાં નીર વિના કેનાલ ભરાયેલી પડી છે, પરંતુ તકલાદી કામના લીધે અત્યારથી જ તેમાં ક્ષતિ સર્જાતાં ઐતિહાસિક સદીઓ જૂનું તળાવ ખાલીખમ રહી જવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તળાવમાં પાણીની આવક ન થતાં ગાય, ભેંસ સહિતના પશુઓ, જળચર જીવોને તરસ્યા રહેવું પડશે, ત્યારે આ તળાવને નર્મદાનાં પાણીથી ભરવામાં આવે અને પાંકડસર તળાવના કુદરતી વહેણને તળાવ તરફ વાળવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang