• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

માંડવીનું 2026-27નું 54 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું

માંડવી, તા. 19 : માંડવી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકમાં ત્રિમાસિક હિસાબો તથા અંદાજપત્રો તથા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ હતી. ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખ સ્થાને યોજાયેલી બેઠકમાં હિસાબી શાખા તરફથી વર્ષ 2025ના ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક આવક-જાવક હિસાબોને બહાલી અપાઇ હતી. વર્ષ 2025-26નું સુધારેલું 61,46,13,049 અંદાજપત્ર, વર્ષ 2026-27ના અંદાજિત ખર્ચ 54.08 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. આગામી પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત વરસાદી કેનાલની સફાઇ તથા ભગર્ભ ગટરોની ચેમ્બરોની સફાઇ કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કલવાણ રોડથી ભૂતનાથ રોડ, આઇટીઆઇથી જૂના પુલ, રિલાયન્સ મોલથી કેન્સર હોસ્પિટલશીતલા ચોકડીથી લક્ષ્મીનારાયણ નગર વિ. વિસ્તારોમાં નવા વીજપોલ સાથે નવી લાઇનો લગાડવાના નિર્ણયને મંજૂરી અપાઇ હતી. આગામી ઉનાળાની ઋતુ તેમજ માંડવી-નલિયા, માંડવી-ભુજ રોડ પર હયાત સોસાયટીમાં નવા મકાનો બનવાથી પીવાનું  પાણી પૂરતું મળી રહે તે માટે રૂકમાવતી નદીના પટમાં નવા બોર બનાવવા તથા વિવિધ સોસાયટીઓમાં નવી પાણીની લાઇનો પાથરવા મંજૂરી અપાઇ હતી.સોનવાળા નાકા પાસે સ્વચ્છ ભારત આકૃતિવાળો નકશો રિપેરિંગ કરવા, જત નગર, પૂનમ નગર, ભૂકંપ નગર, લુણંગ નગર સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા, સ્પંદન સ્પોર્ટસ એકેડેમી દ્વારા જી.ટી. ગ્રાઉન્ડ સંકુલના નવિનીકરણ, મલ્ટી પર્પઝ મેદાન નિર્માણ કરી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે મંજૂરી આપવા નિર્ણય લેવાયો હતો. માંડવી નગરપાલિકા વિસ્તારની હદમાં બિનઅધિકૃત બિનરહેઠાણમાં નોનવેજનો વ્યવસાય ના ખોલી શકે તે માટે આકારણી સમયે અરજદારે સોગંદનામું રજૂ કરવું પડશે તેવું જણાવાયું હતું. બેઠકમાં વિજય ગઢવી, પારસ સંઘવી, ગીતાબેન ગોર, જશુબેન હાલાઇ, પ્રેમજી કેરાઇ, જયશ્રીબેન સલાટ વિ. ચર્ચામાં ભાગ લીધો હતો. હેડ ક્લાર્ક મનજી પરમાર, ચેતના જોશી, પ્રવીણ સુથાર, એન્જિનીયર મયુરસિંહ ઝાલા, ભૂપેન્દ્ર સલાટ, ધવલ જેઠવા, ભરત ડાંગેરા, હરપાલસિંહ જાડેજા, સાવનસિંહ રાઠોડ વિ. સહયોગી રહ્યા હતા. 

Panchang

dd